વન વિભાગે 580 કરોડ લીટર પાણી જમીનમાં ઉતાર્યું
દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા જળ સંરક્ષણના વ્યાપક પ્રયાસોએ સકારાત્મક પરિણામ આપવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ફોરેસ્ટ રેન્જોમાં વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે કરવામાં આવેલી કામગીરીના કારણે પાણીની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો થયો છે.
વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ‘સોઇલ એન્ડ મોઈશ્ચર કન્ઝર્વેશન’ (SMC) અભિયાન હેઠળ વિવિધ જળ સંરક્ષણ માળખાં ઉભાં કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી નોર્થ-સાઉથ, વડપાડા, વાંકલ, ડુમસ અને મહુવા ફોરેસ્ટ રેન્જમાં 170 ચેકડેમ, 215 વન તલાવડી, 55 હિલટોપ ટેન્ક અને પ્રિકોલેશન પોન્ડ, 25 ગેબિયન તેમજ અનેક ટ્રેન્ચિસ બનાવવામાં આવી છે.
આ માળખાંઓના કારણે અંદાજે 580 કરોડ લીટર વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં સફળતા મળી છે. આટલું પાણી અંદાજે 40 હજાર ગામડાઓની એક વર્ષની જરૂરિયાત પૂરી કરી શકે તેટલું ગણાય છે. વન વિભાગના અધિકારીઓ અનુસાર, આ પ્રોજેક્ટના પરિણામે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર સરેરાશ 1 થી 1.5 મીટર સુધી ઊંચું આવ્યું છે.
વરસાદી પાણી રોકવા ‘રિજ ટુ વેલી’ મોડેલ અપનાવ્યો
વન વિભાગે “રિજ ટુ વેલી” અભિગમ હેઠળ કામગીરી હાથ ધરી છે. આ પદ્ધતિમાં ટેકરીઓ પર પડતું વરસાદી પાણી સીધું ખીણમાં વહી જાય તે પહેલાં જ વિવિધ માળખાં દ્વારા રોકવામાં આવે છે. જેના કારણે પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળસ્તર મજબૂત બને છે. સાથે સાથે જમીનનું ધોવાણ પણ અટકે છે.સુરતના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) ગૌરવ લોઢાએ જણાવ્યું હતું કે જંગલોમાં બનાવાયેલા ચેકડેમ, વન તલાવડી અને હિલટોપ ટેન્ક્સ માત્ર પાણીનો સંગ્રહ જ નથી કરતા, પરંતુ જંગલના પર્યાવરણને પણ વધુ જીવંત બનાવી રહ્યા છે.
જંગલોમાં વિકસ્યાં કુદરતી જળાશય
વન વિભાગની આ પહેલના કારણે જંગલો હવે માત્ર હરિયાળી પૂરતા મર્યાદિત રહ્યા નથી, પરંતુ કુદરતી જળાશય તરીકે પણ વિકસી રહ્યા છે. ચેકડેમ દ્વારા અંદાજે 28.58 લાખ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, જ્યારે વન તલાવડીની ક્ષમતા અંદાજે 21.78 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચી છે. પહાડી વિસ્તારોમાં હિલટોપ ટેન્ક્સ અને ટ્રેન્ચિસ દ્વારા વરસાદી પાણી રોકાતા જમીનમાં ભેજ ટકાવી રાખવામાં મદદ મળી રહી છે. તેના કારણે ઉનાળામાં પણ નાના છોડ અને વૃક્ષો જીવંત રહી શકે છે, જેનાથી વરસાદી મોસમ દરમિયાન જંગલનો વિકાસ વધુ ઝડપથી થાય છે. વન વિભાગે વર્ષ 2026-27 દરમિયાન વધુ 82 કરોડ લીટર પાણી બચાવવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે.
આદિવાસી વિસ્તારોને મળ્યો સીધો લાભ
ઉમરપાડા, વાંકલ અને અન્ય અંતરિયાળ જંગલ વિસ્તારોમાં વસતા આદિવાસી સમુદાયોને પણ આ પ્રોજેક્ટથી સીધો લાભ મળ્યો છે. ચેકડેમ અને વન તલાવડીના નિર્માણ કાર્યમાં સ્થાનિક લોકોને રોજગારી મળી હતી. ઉપરાંત ભૂગર્ભ જળસ્તર વધતા કૂવા અને બોરવેલમાં પાણીનું સ્તર ઊંચું આવ્યું છે, જેના કારણે પીવાના પાણીની સમસ્યામાં રાહત મળી છે. ઉનાળાની કડક ગરમી દરમિયાન પશુ-પક્ષીઓ અને જંગલી પ્રાણીઓને પણ પાણી સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે, જેના કારણે જંગલના જીવસૃષ્ટિ તંત્રને મોટો આધાર મળ્યો છે.
પર્યાવરણ સંરક્ષણ તરફ મહત્વપૂર્ણ પગલું
દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ જળ સંરક્ષણ પ્રયાસોને પર્યાવરણ સંરક્ષણ અને પાણી વ્યવસ્થાપનના ઉત્તમ મોડેલ તરીકે જોવામાં આવી રહ્યા છે. વધતું ભૂગર્ભ જળસ્તર, હરિયાળો વિસ્તાર અને સ્થાનિક સમુદાયોને મળતો લાભ આ તમામ બાબતો દર્શાવે છે કે કુદરતી સંસાધનોનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો લાંબા ગાળે પર્યાવરણ અને માનવ જીવન બંનેને મોટો ફાયદો મળી શકે છે.