Vadodara

રોયલ મેળામાં ફેમિલી સાથે જતા પહેલા વિચારજો, સુરક્ષાની કોઈ ગેરંટી નહીં….

રોયલ મેળામાં ધીંગાણું : યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીથી અફરાતફરી
મહિલાઓ-યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો, વાયરલ વીડિયોએ ઊભા કર્યા સુરક્ષાના સવાલો
પરિવારો અને બાળકોમાં ભયનો માહોલ, મેળાની સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર પ્રશ્નો

(પ્રતિનિધિ) વડોદરા, તા.11
વડોદરા શહેરના ચર્ચાસ્પદ રોયલ મેળામાં યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો બનાવ બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મેળામાં બનેલી ફટકાબાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને જાહેર સ્થળે મોટી સંખ્યામાં પરિવાર અને બાળકો હાજર હોય ત્યારે આવી ઘટના બનતા મેળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મેળામાં મહિલાઓ અને કેટલાક યુવકો વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર તરીકે શરૂ થયેલો મામલો જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી અને ત્યારબાદ યુવકો છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા.

મારામારીના દ્રશ્યો જોઈ મેળામાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ખાસ કરીને પરિવાર સાથે આવેલા લોકો અને બાળકો ગભરાઈ ગયા હતા અને સ્થળ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ધીંગાણા દરમિયાન કેટલાક યુવકોએ મહિલાઓ અને યુવતીઓને બાનમાં લીધી હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે વાયરલ વીડિયોના આધારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કોણ-કોણ સંડોવાયેલું હતું તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર જાહેર મેળાઓમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી છે. મોટી સંખ્યામાં લોકો ઉમટતા મેળામાં પૂરતી સુરક્ષા, CCTV મોનીટરીંગ અને તાત્કાલિક નિયંત્રણ વ્યવસ્થા અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો સમયસર પોલીસ પહોંચી ન હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.

જાહેર મનોરંજનના સ્થળોએ વધતી આવી ઘટનાઓને લઈને હવે લોકોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને પરિવાર સાથે આવતા મુલાકાતીઓ માટે સુરક્ષા સુનિશ્ચિત કરવી હવે તંત્ર માટે મોટો પડકાર બની રહી છે.

Most Popular

To Top