તમિલનાડુની રાજનીતિમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાવાની છે. ફિલ્મ જગતના સુપરસ્ટાર અને ટીવીકે (તમિલગા વેટ્ટ્રી કળગમ) પ્રમુખ થલપતિ વિજય આજે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી રાજ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે સસ્પેન્સ યથાવત હતું, પરંતુ VCK અને IUML સહિતના પક્ષોના સમર્થન બાદ હવે ટીવીકે સરકાર રચવા માટે તૈયાર થઈ ગઈ છે.
થલપતિ વિજયનો શપથ ગ્રહણ સમારોહ આજે 10 મેના રોજ ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમ ખાતે યોજાશે. શરૂઆતમાં શપથવિધિ બપોરે 3:45 કલાકે યોજાવાની હતી, પરંતુ વિજયના જ્યોતિષીએ શુભ મુહૂર્ત મુજબ સવારે 10 વાગ્યે શપથ લેવા સલાહ આપતા કાર્યક્રમનો સમય બદલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વિજયે 9 મેના રોજ રાજભવન ખાતે તમિલનાડુના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ટીવીકેના વિધાનસભા દળના નેતા તરીકે પોતાની પસંદગી અંગેનું પત્ર રાજ્યપાલને સોંપ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલે વિજયને સત્તાવાર રીતે મુખ્યમંત્રી તરીકે નિમણૂંક આપી અને સરકાર રચવા આમંત્રણ પાઠવ્યું હતું. સાથે જ રાજ્યપાલે 13 મે 2026 સુધીમાં અથવા તે પહેલાં વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે.
થલપતિ વિજયના મુખ્યમંત્રી બનતા તેમના પરિવાર અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વિજયના પિતા અને જાણીતા ફિલ્મ ડિરેક્ટર એસ.એ. ચંદ્રશેખરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “હું ખૂબ ખુશ છું. મેં જે કંઈ કર્યું છે તે મારા પુત્ર માટે કર્યું છે. આખરે વિજય મારફતે તમિલ જનતાને સફળતા મળી છે.” તેમના આ નિવેદન બાદ વિજયના સમર્થકોમાં વધુ ઉત્સાહ છવાઈ ગયો છે.
શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને ચેન્નાઈમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. ખાસ કરીને વિજયના નીલાંગરાઈ સ્થિત નિવાસસ્થાન બહાર પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ટીવીકેને 107 બેઠકો પર જીત મળી હતી. રાજ્યમાં સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂરિયાત હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસે પોતાની 5 બેઠકો સાથે ટીવીકેને સમર્થન આપ્યું છે. ઉપરાંત CPIની 2, CPI-Mની 2, VCKની 2 અને IUMLની 2 બેઠકોના સમર્થનથી વિજય સરકાર રચવાનો માર્ગ સરળ બન્યો છે.
આ શપથ ગ્રહણ સમારોહમાં દેશના અનેક રાજકીય નેતાઓ પણ હાજરી આપવાના છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ વિજયના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ આજે સવારે દિલ્હીથી ચેન્નાઈ માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. રાહુલ ગાંધીની હાજરીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ખાસ ચર્ચા ચાલી રહી છે.
ફિલ્મી દુનિયાથી રાજકારણ સુધીનો થલપતિ વિજયનો સફર હવે એક નવા પડાવ પર પહોંચ્યો છે. તમિલનાડુની જનતાએ તેમને આપેલા મજબૂત સમર્થન બાદ હવે સૌની નજર તેમની સરકારના કામકાજ અને આગામી નિર્ણયોમાં રહેશે.