પળવારમાં ભભૂકી ઊઠેલી આગ વિકરાળ બનતા કાર સંપૂર્ણ સળગીને ખાક
બહાર નીકળવાનો મોકો ન મળતા ચાલકનું કરુણ મોત
વડોદરા તા. 9
દિલ્હી-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર શનિવારે સવારે હૃદયદ્રાવક ઘટના બની છે. હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર ચાલક ગભરાઈ જતા સમયસર બહાર નીકળી શક્યા નહોતા અને આગમાં જીવતા જ ભડથું થઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે આગ ઓલવ્યા બાદ ચાલકની લાશને બહાર કાઢી પોલીસને સોપતા પોલીસે પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
દિલ્હી મુંબઈ ભારત માલા એક્સપ્રેસ હાઈવે પર પાદરા પાસેથી શનિવારના રોજ સવારના સમયે પસાર થઈ રહેલી કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. થોડા જ સમયમાં આગે આખી કારને ઘેરી લીધી હતી. આગ એટલી ભયાનક હતી કે આસપાસથી પસાર થતાં વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા અને હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની વાસણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે સળગી ખાખ થઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે કારમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢી કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કાર ચાલક આગ લાગતા ગભરાઈ ગયા હતા, દરવાજા લોક થઈ જવાના કારણે તેઓ બહાર નીકળી નહીં શક્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.