ફિન એલનની તોફાની સદીથી DCને ઘરઆંગણે હરાવ્યું
IPL 2026માં Kolkata Knight Ridersની જીતનો રથ સતત આગળ વધી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે Delhi Capitalsને 8 વિકેટે હરાવી સતત ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો KKRનો સ્ટાર ઓપનર Finn Allen, જેણે ધમાકેદાર સદી ફટકારી દિલ્હીનો બોલિંગ હુમલો તોડી નાખ્યો.
પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત સામાન્ય રહી હતી. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા હતા. દિલ્હીની તરફથી Pathum Nissankaએ શાનદાર 50 રનની ઇનિંગ રમી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બીજી તરફ સતત વિકેટો પડતાં દિલ્હી મોટો સ્કોર ઉભો કરી શકી નહોતી. એટલુજ નહી KKRના બોલરોએ નિયંત્રિત બોલિંગ કરી દિલ્હીને દબાણમાં રાખી હતી. Kartik Tyagiએ અસરકારક સ્પેલ નાખતા 4 ઓવરમાં 25 રન આપી 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. સાથે જ Anukul Royએ પણ કિફાયતી બોલિંગ સાથે 2 વિકેટ લઈને દિલ્હીની મધ્યક્રમને ઝટકો આપ્યો હતો.
143 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત આક્રમક રહી હતી. ખાસ કરીને ફિન એલને શરૂઆતથી જ દિલ્હીના બોલરો પર હુમલો શરૂ કર્યો હતો. તેણે માત્ર 47 બોલમાં શાનદાર 100 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં અનેક ચોગ્ગા અને લાંબા છગ્ગાઓ સામેલ રહ્યા હતા. સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ એલનની આ ધમાકેદાર બેટિંગ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિન એલને પાવરપ્લેથી જ મેચનો માહોલ KKR તરફ ફેરવી દીધો હતો. તેની ઝડપી બેટિંગને કારણે દિલ્હીના બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હતા. બીજા છેડે અન્ય બેટ્સમેનોએ પણ સારી સાથો સાથ આપતા કોલકાતાએ માત્ર 14.2 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
આ જીત સાથે KKRના પોઇન્ટ ટેબલમાં મહત્વપૂર્ણ પોઇન્ટ ઉમેરાયા છે અને ટીમનું પ્લેઓફ તરફનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. સતત ચોથી જીત બાદ ટીમનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ માટે આ હાર ચિંતાજનક બની છે, ખાસ કરીને ઘરઆંગણે મળેલી હારથી ટીમના ચાહકો નિરાશ થયા હતા.
મેચ બાદ સોશિયલ મીડિયા પર પણ ફિન એલનની સદીની જોરદાર ચર્ચા જોવા મળી હતી. ક્રિકેટ ચાહકોએ તેની ઇનિંગને IPL 2026ની સૌથી વિસ્ફોટક ઇનિંગમાંથી એક ગણાવી હતી. KKRના ચાહકો માટે આ જીત ડબલ ખુશીની બની હતી કારણ કે ટીમે માત્ર જીત મેળવી નહોતી, પરંતુ સંપૂર્ણ દબદબાથી મેચ સમાપ્ત કરી હતી. હવે આવનારી મેચોમાં કોલકાતા પોતાની જીતની લય જાળવી રાખવા પ્રયત્ન કરશે, જ્યારે દિલ્હી માટે આગામી મુકાબલા ‘કરો અથવા મરો’ જેવા સાબિત થઈ શકે છે.