Gujarat

અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં સંશોધન તકો અને અસરકારક સંશોધન વિષય પર પાંચ દિવસનો સેમિનાર

અમદાવાદ,

અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા “Exploring Research Opportunities and Impactful Research” (“સંશોધન તકોની શોધ અને અસરકારક સંશોધન”) વિષય પર પાંચ દિવસીય Short Term Training Programme (STTP)નું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રોફેસરો, સંશોધકો અને સંશોધન ક્ષેત્રે રસ ધરાવતા વ્યક્તિઓને નવી સંશોધન તકો, ફંડિંગ સ્કીમ્સ અને અસરકારક સંશોધન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો છે.

તા. ૪ મે થી ૮ મે ૨૦૨૬ દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં STTP દરમિયાન વિષય નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાન, પ્રેક્ટિકલ સત્રો અને ચર્ચા સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંશોધન પ્રસ્તાવ તૈયાર કરવાથી લઈને તેની અમલીકરણ પ્રક્રિયા સુધીના મુદ્દાઓ આવરી લેવામાં આવશે. સાથે જ ઉચ્ચ ગુણવત્તાવાળા જર્નલમાં પેપર પબ્લિકેશન અને પેટન્ટ મેળવવાની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અધિક સચિવ મુકેશકુમારએ સંશોધન પ્રત્યે જાગૃતિ લાવવા અને સંશોધન માટે અનુકૂળ ઇકોસિસ્ટમના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી ક્ષેત્રમાં ઝડપથી થતા પરિવર્તનોને કારણે અનેક નવા સંશોધન ક્ષેત્રો ઉભા થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં વિશાળ સંભાવનાઓ ધરાવે છે.

સંસ્થાના આચાર્ય નિલય ભુપતાણી દ્વારા સંશોધન પ્રત્યેની જાગૃતિ અને રાજ્ય તથા દેશના વિકાસમાં સંશોધનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે ભાગ લેનાર અધ્યાપકોને દેશ-વિદેશમાં સંશોધન ક્ષેત્રે ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કર્યા હતા.

આ STTPમાં રાજ્યભરના વિવિધ ઇજનેરી અને ટેકનિકલ સંસ્થાઓમાંથી કુલ ૧૧૫ અધ્યાપકો ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન પ્રો. સુનીલ કાલે, ડો. વરુણ શર્મા, ડો. અજય સિદ્ધપરા, ડો. આશિષ ચક્રવર્તી અને ડો. આર. એન. પટેલ જેવા નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત, ડો. રાજેન્દ્ર કાકડે, ડો. મૌમિતા ચેટર્જી અને ડો. નવનીત ખન્ના દ્વારા નવીન શૈક્ષણિક આયામો પર ચર્ચા કરવામાં આવશે.

Most Popular

To Top