13 વર્ષથી ગેરકાયદેસર કબજો રાખી ખેતી અને બાંધકામ કરવા અટકાવ્યાનો આક્ષેપ
રંધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ
દાહોદ, તા. 4
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પિસોઈ ગામે એક વૃદ્ધાની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો કરી તેને ઉપયોગમાં લેવા ન દેવાના મામલે ત્રણ ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ સિંગવડ ગામે નીચવાસ બજાર વિસ્તારમાં રહેતી 58 વર્ષીય ગંગાબેન કરશનસિંહ જેસિંગભાઈ વણઝારાની પિસોઈ ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર 19 પૈકી 2ની જમીન પર ગામના ત્રણ ઇસમોએ છેલ્લા 13 વર્ષથી ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ દાદાગીરીપૂર્વક જમીન પર ઘુસણખોરી કરી ગંગાબેનને ખેતી કે બાંધકામ કરવા દીધું નથી. આ અંગે ગંગાબેને રંધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ જગુભાઈ, બચુભાઈ અને મહેન્દ્રભાઈ પટેલિયા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ