આડેધડ વૃક્ષ કાપથી પર્યાવરણ પર ખતરો, વરસાદમાં ઘટાડા અંગે ચિંતા
જંગલ ખાતાની બેદરકારી સામે ઉઠી માંગ—કડક કાર્યવાહી અને વાવેતર જરૂરી
(પ્રતિનિધિ) સુખસર, તા. 5
દાહોદ જિલ્લાના સુખસર, ફતેપુરા અને સંજેલી તાલુકામાં વન સંપતિનો આડેધડ નાશ થતો હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે. જંગલોમાં ગેરકાયદે વૃક્ષ કાપણી વધતા પર્યાવરણને ખતરો ઉભો થયો છે અને વરસાદમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ જંગલ ખાતાની બેદરકારીને કારણે સાગ, સીસમ અને સાલ જેવા કિંમતી વૃક્ષોનું સતત છેદન થઈ રહ્યું છે. લાકડું ક્યાં જાય છે તે અંગે સ્પષ્ટતા નથી, જ્યારે કેટલાક કિસ્સાઓમાં ગેરરીતિઓ દબાવી દેવામાં આવતી હોવાની પણ ચર્ચા છે.
જંગલોના નાશને કારણે જંગલી પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે અને જંગલ જમીન પર ખેતીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. પરિણામે કુદરતી સંતુલન બગડી રહ્યું છે.
સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે કે વન વિભાગ સક્રિય બની ગેરકાયદે કાપણી પર રોક લગાવે, નવા વૃક્ષોનું વાવેતર અને તેની યોગ્ય માવજત કરે. પર્યાવરણ બચાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમો પણ તાત્કાલિક શરૂ કરવાની જરૂર જણાઈ રહી છે.
રિપોર્ટર: બાબુa