India

ગરમી વચ્ચે રાહતના સંકેત: કેરળમાં આ વર્ષે વહેલુ ચોમાસુ આવી શકે

ગરમીની લહેર વચ્ચે કેરળમાં વહેલા ચોમાસાની શક્યતા: મે મહિનામાં જ આગમનનો અંદાજ

ઉંચા તાપમાન છતાં હવામાન વિભાગના સંકેતો; મે અંત સુધી દક્ષિણ ભારતમાં વરસાદ વધવાની શક્યતા : દેશના અનેક ભાગોમાં ગરમીની તીવ્ર લહેર વચ્ચે કેરળ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાતોના અંદાજ મુજબ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું, એટલે કે મે મહિનાના અંત સુધી કેરળમાં પ્રવેશ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

હાલ કેરળમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ નજીક નોંધાયું છે અને આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.જો કે માહિતી મુજબ માર્ચથી એપ્રિલ વચ્ચે રાજ્યમાં ગરમી સંબંધિત આશરે 33 જેટલી ઘટનાઓ નોંધાઈ છે અને એક સંભવિત સનસ્ટ્રોકથી મૃત્યુનો કેસ પણ નોંધાયો હોવાનું જણાવાયું છે. હવામાન મોડેલ્સ મુજબ, દક્ષિણ-પશ્ચિમ મોસમી પવનની ગતિ મજબૂત બનતી જઈ રહી છે. અંદાજ છે કે 18થી 25 મે દરમિયાન અંડમાન-નિકોબાર વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે, ત્યારબાદ 25 મેથી 1 જૂન વચ્ચે ચોમાસાની સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી કેરળ, દક્ષિણ તામિલનાડુ સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર વિસ્તારમાં મજબૂત પશ્ચિમી પવનોનું નિર્માણ થઈ રહ્યું છે, જે ભેજને કેરળ તરફ લાવવામાં મદદરૂપ બનશે. તેના પરિણામે કેરળમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પણ નોંધાઈ શકે તેવી શક્યતા છે, ગરમીની લહેર વચ્ચે વહેલા ચોમાસાના આગમનની શક્યતા રાજ્યના લોકોને મોટી રાહત આપી શકે છે. જો આગાહી મુજબ ચોમાસું વહેલું આવશે તો દક્ષિણ ભારત સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ ગરમીમાંથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top