કમિશનર એક્શન મોડમાં: અરુણ મહેશ બાબુની હાજરીમાં 4.5 કિમીના રસ્તા પર સઘન સફાઈ; દબાણો દૂર કરી વૃક્ષારોપણ કરાયું
વડોદરા: શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને પ્રદૂષણ મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત આજે વેસ્ટ ઝોન વોર્ડ નંબર 10 માં વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સીધી દેખરેખ હેઠળ નીલાંબર સર્કલથી લઈને યશ કોમ્પ્લેક્સ સુધીના અંદાજે 4.5 કિલોમીટર લાંબા માર્ગ પર વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને ડિવાઇડર્સનું બ્રશિંગ અને ક્લીનિંગ કરવામાં આવ્યું હતું. રસ્તાની બંને બાજુએ માર્જિનમાં આવતા નડતરરૂપ દબાણોને દૂર કરવાની સાથે સાથે ટ્રીમિંગની કામગીરી પણ હાથ ધરાઈ હતી. ખાસ વાત એ છે કે, આ અભિયાનમાં માત્ર મ્યુનિસિપલ સ્ટાફ જ નહીં, પરંતુ શહેરના જાગૃત નાગરિકો, સ્થાનિક એનજીઓ અને શાળાઓના ઈકો ક્લબના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. કમિશનરે આ પ્રસંગે પોતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.

કમિશનર અરુણ મહેશ બાબૂ ના જણાવ્યા મુજબ છેલ્લા અઢી મહિનાથી આ ઝુંબેશ શહેરના વિવિધ વોર્ડમાં સતત ચાલી રહી છે. સફાઈની સાથે સાથે રોડ લાઈન માર્કિંગ માટે ટાઉન પ્લાનિંગ અને રોડ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખવામાં આવ્યા છે. પાંચ વર્ષ જૂની ગ્રીલ્સ કે જે ઝાડના વિકાસમાં અવરોધક બની રહી હતી, તેને બદલીને નવી ગ્રીલ્સ નાખવાનું કામ પણ આ સાથે જ કરવામાં આવ્યું છે.

શહેરમાં વધી રહેલા ડસ્ટ પોલ્યુશન અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, કન્સ્ટ્રક્શન સાઈટ પર ઉડતી ધૂળ સામે કડક પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં શહેરના રસ્તાઓ પરથી ધૂળ દૂર કરવા માટે ‘સ્મોક ગન્સ’ નો પણ ઉપયોગ કરવામાં આવશે, જેમાં એસટીપી (STP) ના રિસાયકલ કરેલા પાણીનો છંટકાવ કરીને હવામાં ઉડતા રજકણોને નિયંત્રિત કરાશે. કમિશનરે તમામ વડોદરાવાસીઓને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને શહેરને ગ્રીન અને ક્લીન બનાવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.