Vadodara

વડોદરા પાલિકાની ‘આંધળી’ કામગીરી: પાણીની લાઈનમાં લીકેજ છતાં રોડ પર ડામર ફેરવી દેવાયો

​ટેસ્ટિંગ કર્યા વિના જ ઉતાવળે રોડ બનાવી દેતા લાખોના ખર્ચ પર પાણી ફરી વળ્યું; સ્થાનિકોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભારે રોષ

​વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકાના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને આયોજનના અભાવનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે નાખવામાં આવેલી નવી પાઈપલાઈનનું ટેસ્ટિંગ કર્યા વિના જ, લીકેજ હોવા છતાં તેની ઉપર ડામર રોડ બનાવી દેવામાં આવતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. તંત્રની આ ‘ઉતાવળી’ કામગીરીને કારણે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, શહેરના પાલિકાની વડી કચેરી માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં તાજેતરમાં જ પીવાના પાણીની નવી પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. નિયમ મુજબ, કોઈપણ નવી લાઈન નાખ્યા બાદ તેનું હાઈડ્રોલિક ટેસ્ટિંગ કરવું અનિવાર્ય હોય છે જેથી લીકેજની જાણકારી મળી શકે. જોકે, પાલિકાના જવાબદાર ઈજનેરો અને કોન્ટ્રાક્ટરોએ આ પાયાની પ્રક્રિયાને નેવે મૂકીને સીધો જ ડામર રોડ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. પરિણામે, જમીનની અંદર લાઈનમાં ઠેર-ઠેર લીકેજ હોવા છતાં તેની ઉપર ડામરનું પડ ચઢાવી દેવામાં આવ્યું છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે પાણીના પ્રેસરને કારણે નવા બનેલા રોડ પરથી પાણી બહાર આવવા લાગ્યું છે.
નવી નખાયેલી લાઈનમાં ગણતરીના દિવસોમાં જ લીકેજ સર્જાવું તે કામની નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરો માત્ર પોતાના બીલ પાસ કરાવવાની ઉતાવળમાં ગુણવત્તા સાથે બાંધછોડ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે કામ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રાત્રિના સમયે થવું જોઈએ, તે કામ પાલિકાએ ભરચક દિવસ દરમિયાન હાથ ધર્યું હતું. જેના કારણે કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
સ્થાનિક નાગરિકોમાં આ બાબતે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે, “પાલિકા લાખો રૂપિયાના ખર્ચના બણગાં ફૂંકે છે પણ પરિણામ શૂન્ય છે. હવે જ્યારે લીકેજ રીપેર કરવાનું આવશે ત્યારે હજુ કાલે જ બનેલો નવો નકોર ડામર રોડ ફરી ખોદવો પડશે. આ બેવડા ખર્ચની જવાબદારી કોની? શું આ નાણાં જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરના ખિસ્સામાંથી વસૂલવામાં આવશે?”

Most Popular

To Top