Vadodara

રિયલ એસ્ટેટના વિવાદોનો આવશે અંત: રાજ્ય સરકાર GDCRના નિયમોમાં કરશે ઐતિહાસિક ફેરફાર​

મિનીપ્લેક્સ, PG અને પ્રિ-સ્કૂલ માટે નવી ગાઈડલાઈન તૈયાર; બાંધકામ ક્ષેત્રે ફેલાયેલી અનિશ્ચિતતાના વાદળો વિખેરાશે

વડોદરા: રાજ્યના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી આવતી વિસંગતતાઓને દૂર કરવા માટે ગુજરાત સરકાર હવે એક્શન મોડમાં આવી છે. જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન ના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને મિનીપ્લેક્સ, પેઈંગ ગેસ્ટ અને પ્રિ-સ્કૂલ જેવા ક્ષેત્રો માટે નવા અને સ્પષ્ટ નિયમો અમલી બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આ નવા સુધારાઓનો અમલ રાજ્યભરમાં કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં, ખાસ કરીને વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં મિનીપ્લેક્સને લઈને અનેક ટેકનિકલ વિવાદો સર્જાયા છે. હાલના GDCRમાં મલ્ટીપ્લેક્સ અને મોટા સિનેમા ઘરો માટે તો સ્પષ્ટ જોગવાઈઓ છે, પરંતુ મિનીપ્લેક્સ માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા ન હોવાથી વહીવટી તંત્ર અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થતું હતું. ભૂતકાળમાં આ જ કારણોસર અમદાવાદમાં અનેક મિનીપ્લેક્સ સીલ કરવાની નોબત પણ આવી હતી. જોકે, હવે નવા નિયમો હેઠળ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મિનીપ્લેક્સ માટે અલગ અને સ્પષ્ટ નીતિ લાવવામાં આવશે. ખાસ કરીને 125 બેઠકોની ક્ષમતા ધરાવતા વીડિયો સિનેમા માટે જે ફાયર NOC અને બિલ્ડિંગ પ્લાનની ગૂંચવણો હતી, તેનું નિરાકરણ લાવવા શહેરી વિકાસ વિભાગે તૈયારી કરી લીધી છે.
શહેરોમાં વધતા જતા વ્યાપની સાથે પેઈંગ ગેસ્ટ અને રહેણાંક વિસ્તારોમાં ચાલતી પ્રિ-સ્કૂલો પણ ચર્ચાનો વિષય બની છે. અત્યાર સુધી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં PG સુવિધા આપવા અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી અનેક વિવાદો ઊભા થતા હતા. નવા સુધારા મુજબ, હવે કોમર્શિયલ બિલ્ડિંગના એક કે બે માળમાં PG સુવિધાને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, રહેણાંક વિસ્તારોમાં ચાલતી પ્રિ-સ્કૂલોના સંચાલનમાં પારદર્શિતા લાવવા અને સુરક્ષાના માપદંડો જળવાય તે હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે, જેથી સંચાલકો અને વાલીઓ વચ્ચે થતા વિવાદો અટકાવી શકાય.
રાજ્ય સરકારે વર્ષ 2017માં તમામ શહેરો માટે સમાન GDCR અમલમાં મૂક્યો હતો, પરંતુ બદલાતા સમય સાથે નવા પ્રકારના બાંધકામો સામે આવતા જૂના નિયમોમાં ખામીઓ દેખાઈ રહી હતી. આ સુધારા પાછળ સરકારનો મુખ્ય હેતુ નિયમોને સરળ અને સ્પષ્ટ બનાવવાનો છે, જેથી બાંધકામ ક્ષેત્રે ગૂંચવણ ઘટે અને રોકાણને પ્રોત્સાહન મળે. આ નવા ફેરફારો બાદ રિયલ એસ્ટેટના અટવાયેલા અનેક પ્રોજેક્ટ્સમાં ઝડપ આવશે અને લાંબા સમયથી ચાલી આવતી અનિશ્ચિતતા દૂર થશે, જેનો સીધો લાભ સામાન્ય જનતા અને બિલ્ડરોને મળશે.

Most Popular

To Top