India

નોઈડા પ્રદર્શન મામલે અત્યાર સુધી 300 લોકોની ધરપકડ! પોલીસનો દાવો, ફેક હેન્ડલથી ફેલાવવામાં આવી અફવાઓ

ઉત્તર પ્રદેશના નોઈડામાં મજૂરોના વેતન વધારાની માંગને લઈને થયેલા ઉગ્ર પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 300 જેટલા લોકોને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સોશિયલ મીડિયા પર ફેક હેન્ડલ દ્વારા અફવાઓ ફેલાવવાનો પણ ખુલાસો થયો છે.

નોઈડાના ફેઝ-2 અને સેક્ટર-60 વિસ્તારમાં મજૂરો દ્વારા વેતન વધારો અને કામકાજની શરતોમાં સુધારા જેવી માંગ સાથે શરૂ થયેલું આંદોલન હિંસક બની ગયું હતું. પ્રદર્શન દરમિયાન કેટલાક તત્વોએ વાહનો સળગાવ્યા, પથ્થરમારો કર્યો અને સરકારી તેમજ ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર ફેક હેન્ડલથી ફેલાઈ અફવાઓ : પોલીસનો દાવો છે કે પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિને વધુ ઉગ્ર બનાવવા માટે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ્સ મારફતે અફવાઓ ફેલાવવામાં આવી હતી. આ અફવાઓના કારણે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને તણાવ વધ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે આવા ફેક હેન્ડલ ચલાવનારાઓની ઓળખ માટે સાયબર ટીમ કામ કરી રહી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વાહનો સળગાવ્યા, ટ્રાફિક પર ભારે અસર : પ્રદર્શન દરમિયાન અનેક સ્થળોએ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક પર ભારે અસર પડી હતી. ખાસ કરીને સેક્ટર-60 અને ઔદ્યોગિક વિસ્તારોમાં વાહનોને આગ ચાંપી દેવા અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત અનેક સરકારી વાહનો અને અન્ય સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

મજૂરોની મુખ્ય માંગ – વેતન વધારો : મજૂરો લાંબા સમયથી વેતન વધારો, ઓવરટાઈમનો યોગ્ય ભથ્થો, કામકાજની સુરક્ષા અને નિયમિત પગાર જેવી માંગ કરી રહ્યા હતા. પડોશી રાજ્ય હરિયાણામાં મજૂરોના વેતનમાં વધારો થયા બાદ નોઈડાના મજૂરોમાં અસંતોષ વધુ વધ્યો હતો, જેના કારણે આંદોલન તેજ બન્યું હતું. પ્રદર્શન દરમિયાન કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા ટિયર ગેસ અને જરૂરી તેટલો બળપ્રયોગ કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી.

પોલીસનો દાવો – હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં : પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ઔદ્યોગિક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. પ્રશાસન અને મજૂર પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top