Columns

અતૂટ નિર્ધાર

એક નાનકડા છોકરાની મમ્મી હોસ્પીટલમાં એકદમ બીમાર હતી. મા અને દીકરાનું દુનિયામાં બીજું કોઈ ન હતું. ડોકટરે કહ્યું, ‘‘અમે દવા કરી છે. બસ હવે તો ભગવાન બચાવી શકશે. તે જે કરે તે સાચું …’’ નાનકડા છોકરાને માટે તેની મમ્મી જ તેની દુનિયા હતી. તે તો પોતાની પિગી બેંક લઈને દોડ્યો કે ભગવાનને લઇ આવું. એક દુકાનમાં ગયો અને કહ્યું, ‘‘તમારી દુકાનમાં ભગવાન મળશે. આ મારી આખી પિગી બેંક આપી દઈશ.’’ દુકાનદારે તેને હસીને કહ્યું, ‘‘અહીં નહિ મળે.’’ છોકરો આખા બજારમાં એકથી બીજી દુકાન ભગવાનને લેવા માટે ફર્યો. બધાએ તેની મજાક ઉડાડી તગેડી મૂક્યો.એક ભલા દુકાનદારે કહ્યું, ‘‘ભગવાન દુકાનમાં નહિ મળે તું મંદિરમાં જા.’’

નાનકડો છોકરો દોડીને મંદિરમાં ગયો અને પુજારીને કહેવા લાગ્યો, ‘‘આ મારા બધા પૈસા લઇ લો અને મને ભગવાન આપો…’’ મંદિરના પુજારી આવી વિચિત્ર માંગણી સાંભળી ખીજાયા અને કહ્યું, ‘‘એમ કંઈ ભગવાન મળે નહિ. ચાલ્યો જ અહીંથી….’’ બરાબર તે જ સમયે એક ધનવાન શેઠ મંદિરમાં આવ્યા હતા. તેણે છોકરાને કહ્યું, ‘‘તને ભગવાનનું શું કામ છે?’’ છોકરાએ બધી વાત કરતાં કહ્યું, ‘‘મારી મમ્મીને ભગવાન જ બચાવી શકે તેમ છે તેવું ડોક્ટરોએ કહ્યું છે એટલે જો ભગવાન મળે તો હું તેને વિનંતી કરું કે મારું દુનિયામાં મારી મમ્મી સિવાય કોઈ નથી એટલે તેને બચાવી લે. એટલે હું ભગવાનને ગોતી રહ્યો છું અને મારી પાસે આ પીગી બેન્કમાં જે કંઈ છે બધું આપી દેવા તૈયાર છું.’’

ધનવાન શેઠે કહ્યું, ‘‘લાવ, મને આપ પીગીબેંક. હું તને ભગવાન આપીશ.’’ છોકરાએ આનાકાની કર્યા વગર પીગીબેંક આપી દીધી. ખાલી એટલું જ કહ્યું, ‘‘ભગવાન આવીને મારી મમ્મીને બચાવી લેશે ને?’’ શેઠે એક કાગળ પર અમુક સૂચનાઓ લખી અને પિગી બેંક લઈને કાગળ છોકરાને આપી કહ્યું, ‘‘આ હોસ્પીટલના સૌથી મોટા ડોક્ટરને આપી દેજે.’’ છોકરાએ કાગળ હોસ્પીટલના મોટા ડોક્ટરને આપ્યો, ડોકટરે કાગળ વાંચ્યો, કાગળ હોસ્પીટલના ફાઉન્ડરે પોતે હાથે લખ્યો હતો એટલે તરત મોટા ડોક્ટરોની ટીમ છોકરાની મમ્મીના ઇલાજમાં લાગી ગઈ, ઓપરેશન થઈ ગયું અને તેની મમ્મી બચી ગઈ.

બીજે દિવસે શેઠ પોતે હોસ્પીટલમાં આવ્યા અને છોકરાને અને તેની મમ્મીને મળ્યા અને કહ્યું, ‘‘આજથી તમારા ઘરની અને આ છોકરાના ભણતરની બધી જવાબદારી મારી રહેશે.’’ મમ્મીએ કહ્યું, ‘‘તમે આટલું બધું કેમ કરો છો?’’ શેઠે કહ્યું, ‘‘આ નાનકડા છોકરાની ભગવાન તમને બચાવી લેશે ની શ્રધ્ધા અને ભગવાનને કોઇ પણ રીતે શોધવાના અતૂટ નિર્ધારને મેં જોયો છે એટલે હું આ કામ કરી રહ્યો છું.’’ છોકરાને કહ્યું, ‘‘ભગવાને કામ કરી દીધું?’’ છોકરાએ કહ્યું, ‘હા, મને મળ્યા નથી પણ લાગે છે કે તમે મોકલ્યા હશે એટલે જ મમ્મી બચી ગઈ અને સાજી થઈ ગઈ.’’ શેઠે પિગી બેંક પાછી આપી કહ્યું, ‘‘ભગવાને મોકલાવી છે.’’
જો અતૂટ નિર્ધાર અને અખૂટ શ્રધ્ધા હોય તો ભગવાનને પણ શોધી શકાય છે.

Most Popular

To Top