તાજેતરમાં જ આરોપી કોર્ટમાંથી પણ ભાગી ગયો હતો, આરોપીએ સગીરાને બે લાખ વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો
વડોદરા તારીખ 7
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સગીરા સાથે અશ્લીલ હરકતો પોક્સોના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત આરોપીએ ભોગ બનાને બે લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. આરોપી તાજેતરમાં જ કોર્ટમાંથી ભાગી ગયો હતો પરંતુ બાદમાં તેને ફરી ઝડપી પાડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા, રણજીતનગર વિસ્તારમાં રહેતા આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશ રોકડે દ્વારા એક સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા હતા તેમજ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સગીરાની માતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી અજય રોકડે તાજેતરમાં જ કોર્ટમાંથી ભાગી જવાની ઘટનામાં સંડોવાયો હતો. જોકે પોલીસે ઝડપી કાર્યવાહી કરી તેને ફરી પકડી પાડ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન તા. 7 એપ્રિલના રોજ વડોદરાની બીજા અધિક સેશન્સ જજ ચિરાગ એમ. પવારની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ તેમજ બચાવ પક્ષના વકીલ દ્વારા સામસામે દલીલો રજૂ કરવામાં આવી હતી.
કોર્ટે આરોપીના ગુનાને ગંભીર ગણાવી તેને 20 વર્ષની સગત સખત કેદની સજા ફટકારી હતી તેમજ રૂપિયા 50,000 નો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે કોર્ટ દ્વારા ભોગ બનનાર સગીરાને રૂપિયા 2 લાખ વળતર ચૂકવવાનો પણ આરોપીને આદેશ આપવામાં આવ્યો છે.