કોઈ પણ વાત વાયુવેગે લોકોમાં ફેલાય અને તેની તપાસ કરતાં કાંઈ ન નીકળે તેને અફવા કહેવામાં આવે છે. અફવા ફેલાવવાનું કામ વિકૃત માનસ ધરાવતાં તત્ત્વોનું હોય છે. લોકોમાં ભય સાથે ભાગદોડ અને અફરાતફરી મચી જાય તેનો અફવાખોરો વિકૃત આંનદ માણતાં હોય છે. હાલમાં બજેટ સત્રના પ્રારંભના દિવસે ગુજરાત વિધાનસભામાં બોમ્બ મુકાયો છે એવી વાત વહેતી થતાં આખી વિધાનસભા ખાલી કરી દેવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં કાંઈ ન મળ્યું. આમ આ એક અફવા સાબિત થઈ હતી.
ઘણી વાર તો બસ-સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયો છે એવી વાત વહેતી થતાં લોકોમાં ભય ફેલાતો હોય છે. અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. જેથી રાંધણગેસની તંગી ઊભી થઈ છે. પેટ્રોલ-ડિઝલ પુરાવવા માટે વાહનોની લાંબી લાઈનો લાગતી હતી. સરકારે જાહેરાત કરી કે ઈંધણનો પૂરતો જથ્થો છે. છતાં વાહનચાલકો ટાંકી ફુલ કરાવવા ઉમટી પડ્યાં હતાં. આ બધી વાતો ભ્રામક હતી અને અફવાખોરોની વિકૃત ભેજાની પેદાશ હોય છે. દેશવિરોધી પ્રવૃત્તિ કરનાર સામે દેશદ્રોહનો ગુનો લગાવવામાં આવે છે, તેમ પોલીસ, આઈ.બી.એ અફવા ફેલાવનારાં તત્ત્વોને શોધીને “વિકૃત માનસ ધરાવતા આરોપી” તરીકે ધરપકડ કરવી જોઈએ. અફવાનું ખંડન થવું જ જોઈએ, જેથી પ્રજા ભયમુક્ત બની શકે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.