SURAT

સુરતના પુણા ખાતે આવેલી અર્જુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આગ લાગતા અફરાતફરી

આગમાં કરોડોનું કાપડ બળીને ખાખ

ઉનાળો શરૂ થતા આગના બનાવ માં વધારો , ગુજરાતના ટેક્સટાઈલ સિટી સુરતમાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા માળને લપેટમાં લઈ લીધો હતો . ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પુણા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અર્જુન પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીના એક બિલ્ડિંગના ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન આવેલું છે. આજે અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ફાળ પડી હતી. સાડીઓમાં કાપડ અને કેમિકલયુક્ત મટીરિયલ હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પુણા, વરાછા અને કાપોદ્રા સહિતના શહેરના 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. અંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું હતું.

આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન માલસામાનને થયું છે. ગોડાઉનમાં રાખેલો સાડીઓનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સીઝન હોવાને કારણે ગોડાઉનમાં મોટો સ્ટોક હતો, જેના કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. સદનસીબે, આગ લાગી ત્યારે ગોડાઉનમાં કોઈ હાજર ન હતું જેથી મોટી જાનહાનિ ટળી હતી.

આગ કયા કારણોસર લાગી તે હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાય રહ્યું છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસ શરુ કરાઈ છે.

Most Popular

To Top