Charchapatra

મંદિરનાં ‘દેવી’ અને રોડ પરના ‘માનવી’ તંત્રના અહંકારના ભરોસે

ગણદેવી-નવસારી રોડ પાસે ખખવાડા ગામથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે. જે વર્ષોથી તીવ્ર વળાંકવાળો હોઈ ગોઝારો રહ્યો છે. ત્યાં વારંવાર ભયંકર અકસ્માતોનો ઇતિહાસ રહ્યો છે. તે સાથે જ અડીને સદીઓથી હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. ગામનાં ધાર્મિક-શ્રદ્ધાળુ લોકો દ્વારા મંદિરનું ખૂબ જ સારી રીતે પુન:નિર્માણ કરવામાં આવેલ છે. ભૂતકાળમાં વારંવાર રોડનું વિસ્તરણ અને પુન:નિર્માણ થવા છતાં વળાંકવાળા રોડ માટે કોઇ કાર્ય કરવામાં આવેલ નથી તેથી વારંવાર અકસ્માતો થાય છે.

વચગાળામાં રોડના વળાંક આગળ બંને બાજુ બમ્પર નાંખવાથી અકસ્માતો મહદ્ અંશે ટાળી શકાયા હતા. પરંતુ રોડના વિસ્તરણ દરમ્યાન તંત્ર દ્વારા બમ્પર કાઢી નાંખવામાં આવેલ છે અને તુરંત  રોડ અકસ્માતોની હારમાળા ચાલુ થઇ ગઇ છે. જવાબદાર અધિકારી અને તંત્રને આ બાબતમાં વારંવાર જણાવેલ છે. છતાં કોઇ પગલાં લેવામાં આવેલ નથી. મંદિરના પરિસરને પણ અકસ્માતમાં વારંવાર લાખોનું નુકસાન થવા પામેલ છે અને આટલા ધાર્મિક સ્થળના પરિસરને થતાં વારંવાર નુકસાન માટે ધાર્મિક સંસ્થાઓ પણ મૂક છે. ટૂંકમાં, નફફટ તંત્ર અહંકારના લીધે ખખડાવતા હિંગળાજ મંદિરની માતા અને રસ્તા ઉપરના આમ માણસો તેમના અહંકારના ભરોસે છે. આ બાબતમાં ત્વરિત ઘટતું થાય એવી તંત્ર અને આગેવાનોને વિનંતી સાથે જ અપેક્ષા.

ખખવાડા, નવસારી     -અજય ટી. નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top