ત્રણ વ્યક્તિઓ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, ઇજાગ્રસ્ત યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
કાલોલ:
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ભક્તિનગર વિસ્તારમાં ઘરની સામે જોવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લાકડી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ત્રણ વ્યક્તિઓ સામે કાલોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડેરોલ સ્ટેશન ભક્તિનગર ખાતે રહેતા કરણસિંહ ફુલસિંહ વણઝારા પોતાના ઘરે હાજર હતા ત્યારે ફળિયામાં રહેતા આદિત્ય માધવભાઈ સોલંકી તેમના ઘર સામે બેસી રહ્યા હતા. આ બાબતે “અમારા ઘર સામે કેમ જોયા કરો છો?” એમ પૂછતાં આદિત્ય ઉશ્કેરાઈ ગયા હતા અને ગંદી ગાળો બોલી ઘરે જઈ બેટ લઈને મારવા દોડી આવ્યા હતા.
બુમાબુમ થતાં આદિત્યના પિતા માધવભાઈ ઉર્ફે સંજયભાઈ ભલાભાઈ સોલંકી તથા માતા મંજુલાબેન પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન માધવભાઈએ ફરિયાદીના પુત્ર ચંદ્રસિંહના માથામાં લાકડીનો ઘા કર્યો હતો, જ્યારે આદિત્યે ગડદા પાટુનો માર માર્યો હતો. ઝઘડો છોડાવવા ગયેલી ભૂમિકાબેનને પણ મંજુલાબેને માર માર્યો હોવાનું જણાવાયું છે. સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ⚠️
ઇજાગ્રસ્ત ચંદ્રસિંહને પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, ત્યારબાદ કાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે કરણસિંહ ફુલસિંહ વણઝારાની ફરિયાદના આધારે કાલોલ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા