Vadodara

વડોદરામાં લુખ્ખાતત્વો બેફામ : મકરપુરા પાસે જાહેર રસ્તા પર મારામારી, પોલીસનું પેટ્રોલિંગ ક્યાં?

વડોદરા: શહેરમાં એક તરફ પોલીસ દ્વારા હેલ્મેટ અને પીયુસી ચેકિંગ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં લુખ્ખાતત્વો બેફામ બની રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વધતા ક્રાઈમના બનાવો લોકોને ચિંતિત કરી રહ્યા છે.
આ વચ્ચે મકરપુરા વિસ્તારમાં બરોડા ડેરી અને ભવન્સ સ્કૂલ નજીક જાહેર રસ્તા પર મારામારીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કેટલાક યુવકો વચ્ચે થયેલા ઝઘડાએ થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જાહેર રસ્તા પર જ એકબીજા પર હુમલો થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકોના કહેવા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં સાંજ પડતા લુખ્ખાતત્વોની હરકતો વધતી જાય છે. જાહેરમાં મારામારી, ધમકીઓ અને ગુંડાગીરી જેવી ઘટનાઓ વધી રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. લોકોનો સવાલ છે કે જ્યારે શહેરના રસ્તાઓ પર આવી રીતે ગુંડાગીરી થાય છે ત્યારે પોલીસનું પેટ્રોલિંગ ક્યાં હોય છે?
તાજેતરમાં શહેરમાં બનેલા વિવિધ ગુનાહિત બનાવોને કારણે લોકોમાં એવી ચર્ચા છે કે વડોદરામાં ક્રાઈમનો ગ્રાફ ધીમે ધીમે વધતો જાય છે. કેટલાક વિસ્તારોમાં તો ગલીએ-ગલીએ નવા ‘ડોન’ ઉભા થઈ રહ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
શહેરના નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક નિયમોના પાલન સાથે-સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ અને કાર્યવાહી જરૂરી બની છે.
હવે જોવું રહ્યું કે વડોદરા પોલીસ શહેરમાં વધતી ગુંડાગીરી અને જાહેર મારામારી જેવા બનાવો સામે ક્યારે કડક કાર્યવાહી કરીને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ ઉભો કરે છે.

Most Popular

To Top