મિત્ર બની બોલાવી માછણ નદી કિનારે લઈ જઈ લૂંટના ઇરાદે નિર્દય હત્યા
ભજન માટે નીકળેલા પૂજારીનો બીજા દિવસે લોહીલુહાણ મૃતદેહ મળતા ચકચાર મચી હતી
ગુજરાત મિત્ર ન્યુઝ | ઝાલોદ
ઝાલોદ તાલુકામાં પૂજારીની હત્યાની ઘટનાનો ઝાલોદ પોલીસે સનસનીખેજ પર્દાફાશ કર્યો છે. ભજન-કીર્તન માટે ઘરેથી નીકળેલા પૂજારી બીજા દિવસે માછણ નદીના કિનારે લોહીલુહાણ હાલતમાં મૃત મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં રહસ્યમય લાગતી આ ઘટનામાં ઝાલોદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈને સમગ્ર કરતા કાવતરું બહાર આવ્યું છે.
ઝાલોદના ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી અને રામદેવ ભગવાનના ભક્ત તરીકે ઓળખાતા **નગીનભાઈ વિરાભાઈ ભુનાતર (ઉ.વ. આશરે ૫૧)**ની લાશ થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.
પરિવારજનોના જણાવ્યા મુજબ નગીનભાઈ ૧૧ માર્ચે સાંજે ભજન-કીર્તન માટે ઘરેથી નીકળ્યા હતા. રાત્રે મોડે સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
બીજા દિવસે બપોરે થેરકા ગામ નજીક માછણ નદીના કિનારે એક વ્યક્તિ પડેલી હોવાની માહિતી મળતા સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા. નજીક જઈ તપાસ કરતા તે રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓ લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં પડેલા જોવા મળતા તરત જ પરિવારજનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. સાથે સાથે તેઓ સામાન્ય રીતે પહેરતા સોના-ચાંદીના દાગીના પણ ગાયબ હોવાનું સામે આવતા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની શંકા મજબૂત બની હતી. ઘટનાની ગંભીરતા જોતા ઝાલોદ પોલીસ સાથે દાહોદ એલસીબી અને એસઓજીની ટીમોએ પણ તપાસ હાથ ધરી હતી.
દેવાના બોજે રચી હત્યાની યોજના, દાગીના લૂંટીને થયો ફરાર
તપાસ દરમિયાન પોલીસને ગામડી રોડ પર આવેલી પુલિયા પાસે એક યુવાન શંકાસ્પદ હાલતમાં બેઠેલો હોવાની બાતમી મળી હતી. પોલીસ તરત જ સ્થળ પર પહોંચી તેને કાબૂમાં લઈ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ શરૂ કરી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અજયભાઈ સામજીભાઈ પરમાર (ઉ.વ. ૩૦) હોવાનું જણાવ્યું.
પોલીસની કડક પૂછપરછમાં તેણે આખો ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે અજયભાઈએ બે મહિના પહેલા લગ્ન કર્યા હતા અને લગ્નના ખર્ચાને કારણે તેના પર ભારે દેવું થઈ ગયું હતું. ઉછીના લીધેલા પૈસાની માંગણી થતા તે તણાવમાં હતો.
અજયભાઈ નગીનભાઈને ઓળખતો હતો અને જાણતો હતો કે તેઓ ગળામાં સોનાની ચેન, હાથમાં સોનાની વીટી અને ચાંદીનું ભોરીયું પહેરતા હતા. આ દાગીના વેચી દેવામાં આવે તો પોતાનું દેવું ઉતરી જશે એવી લાલચે તેણે હત્યાની યોજના બનાવી.
તેને નગીનભાઈને “ઉછીના આપેલા પૈસા લેવા જવાનું છે” કહી માંડલીખુંટા ગામ તરફ બોલાવ્યા અને પછી માછણ નદીના કિનારે એકાંત સ્થળે લઈ જઈ અંધારાનો લાભ લઈ લોખંડની હથોડીથી માથામાં ઘા કર્યા અને ગળું દબાવી તેમની નિર્દય હત્યા કરી નાખી. ત્યારબાદ ગળાની સોનાની ચેન, હાથની સોનાની વીટી અને ચાંદીનું ભોરીયું લઈને ત્યાંથી ફરાર થઈ ગયો.
ઝાલોદ પોલીસ, દાહોદ એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરીથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી લૂંટાયેલા સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીને ઝાલોદ કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે.
ભક્તિ અને સાદગીભર્યા જીવન માટે જાણીતા પૂજારી સાથે થયેલી આ ક્રૂર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ