વડોદરામાં એમપી ઓફિસ ઈ-પોર્ટલ લોન્ચ, હવે સાંસદ સાથે મુલાકાત કે રજૂઆત માટે માત્ર એક મેસેજ પૂરતો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ પોર્ટલનું ઉદઘાટન, નાગરિકોને હવે સરકારી કચેરીઓના ધક્કામાંથી મળશે મુક્તિ





(પ્રતિનિધિ), વડોદરા. તા.6
વડોદરા હંમેશા તેની કલા, સંસ્કૃતિ અને સંસ્કાર માટે જાણીતું રહ્યું છે, પરંતુ હવે તે ‘ડિજિટલ ગવર્નન્સ’માં પણ રાજ્યભરમાં અગ્રેસર બન્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના મંત્રને ચરિતાર્થ કરતા વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશીએ એક ઐતિહાસિક પહેલ કરી છે. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે “એમપી ઓફિસ ઈ-પોર્ટલ” નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે નાગરિકોને પોતાની રજૂઆતો કરવા કે યોજનાઓની માહિતી મેળવવા માટે સાંસદ કાર્યાલયના ધક્કા ખાવા પડતા હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે આ પોર્ટલ તૈયાર કરાયું છે. ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોએ હવે નાની રજૂઆત માટે પણ શહેર સુધી આવવાની જરૂર રહેશે નહીં. તેઓ પોતાના મોબાઈલના માધ્યમથી સીધી ફરિયાદ કે સૂચન મોકલી શકશે. જ્યારે સાંસદ દિલ્હી ખાતે લોકસભાના સત્રમાં વ્યસ્ત હોય, ત્યારે પણ વડોદરાની જનતા તેમની સાથે જોડાયેલી રહેશે. પોર્ટલ પર આવતી રજૂઆતોનું ડિજિટલ ટ્રેકિંગ થશે અને ઇમેઇલ કે ફોન દ્વારા જે-તે નાગરિકને પ્રતિસાદ આપવામાં આવશે. સાંસદની ગ્રાન્ટ ક્યાં વપરાય છે ? કયા વિસ્તારમાં કેટલા વિકાસના કામો થયા ? આ તમામ વિગતો હવે જનતાની નજર સામે રહેશે. આ પારદર્શિતા લોકશાહીમાં નાગરિકોનો વિશ્વાસ વધારશે. આ પોર્ટલ અત્યંત યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. નાગરિકોએ ફક્ત 95127 69834 નંબર સેવ કરી તેના પર “Namaste” લખીને વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે.
- અપોઇન્ટમેન્ટ મેનેજમેન્ટ :- મુલાકાત માટે તારીખ અને સમયની ઓનલાઈન માંગણી.
- સરકારી યોજનાઓની માર્ગદર્શિકા :- કેન્દ્ર અને રાજ્ય સરકારની 100થી વધુ કલ્યાણકારી યોજનાઓની માહિતી.
- ઇવેન્ટ કેલેન્ડર :- સાંસદના આગામી કાર્યક્રમો અને શહેરની મહત્વની ઇવેન્ટ્સનું શિડ્યુલ.
- સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશન :- તમામ સોશિયલ પ્લેટફોર્મની લિંક્સ એક જ જગ્યાએ.
લોન્ચિંગ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પોર્ટલ માત્ર ટેકનોલોજી નથી, પણ લોકોની સમસ્યાઓના ઉકેલ માટેનું એક સબળ માધ્યમ છે. વડોદરાના સાંસદની આ પહેલ રાજ્યના અન્ય વિસ્તારો માટે પ્રેરણારૂપ બનશે.
સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું કે, મારો ઉદ્દેશ્ય છે કે વડોદરાનો છેવાડાનો માનવી પણ પોતાના પ્રશ્નો સીધા જ મારા સુધી પહોંચાડી શકે. હાલ આ સેવા અંગ્રેજીમાં છે, પણ ટૂંક સમયમાં જ ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવીશું જેથી ભાષાનો કોઈ અવરોધ ન રહે.
આ અવસરે દંડક બાળકૃષ્ણ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા તેમજ ધારાસભ્યો યોગેશ પટેલ, શૈલેષ મહેતા, કેયુર રોકડિયા અને કેતન ઇનામદાર સહિત ભાજપના અગ્રણી કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.