( પ્રતિનિધિ )વડોદરા,તા.5
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું પરિમાણ હજીપણ અસમંજસ ભરી સ્થિતિમાં મુકાયું છે. અગાઉ બે વખત સુનાવણી બાદ ત્રીજી વખત થયેલી સુનાવણીમાં ચુકાદા માટે વધુ સમયની જરૂર હોય કોર્ટ આ નિર્ણય અંગે વધુ સુનાવણી 16 માર્ચના રોજ કરશે. ત્યાં સુધી હાલની કમિટી કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું.
વિવાદોના વંટોળમાં ઘેરાયેલી રસુકદારોની કહેવાતી મંડળી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામ પર સતત ત્રીજી વખત હાઇકોર્ટે બ્રેક મારી છે. અગાઉ તારીખ પર તારીખ અપાયા બાદ ગુરુવારે થયેલી સુનાવણીમાં આગામી 16 માર્ચના રોજ વધુ સુનાવણી કરવામાં આવશેનો નિર્ણય લેવાયો હતો. બરોડા ક્રિકેટ એસોસિએશન ની ચૂંટણીમાં 2000 જેટલા મતદારો પૈકી 1400 જેટલા મતદારોએ આ વખતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું જે રેકોર્ડ બ્રેક રહ્યું હતું. જોકે, મત આપ્યા બાદ પ્રતીક્ષા હતી ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની. જસ્ટીસ નિરલ મહેતાની કોર્ટમાં ચુકાદાની તારીખ ગુરુવારે નક્કી હતી. પરંતુ એકાએક આ તારીખ હવે 16 મી પર ફિક્સ કરવામાં આવી છે. કોર્ટે ચુકાદા માટે હજી વધુ સમયની જરૂર હોવાનું જણાવી તારીખ પાંચની જગ્યાએ 16 માર્ચ રાખવામાં આવી છે. જોકે, ચુકાદો 16મીના રોજ આવશે કે નહીં તે અંગે પણ મત મતાંતર છે.