Vadodara

ખરબચડા રસ્તાઓ અને ટ્રાફિક જામ ની ફરિયાદો વધતા પાલિકા કમિશનરની અધિકારીઓ સાથે બેઠક

​16 રોડ પર નવી ડ્રેનેજ અને 13 રોડ પર પાણીની લાઈનનું કામ યુદ્ધના ધોરણે; રાત્રિ દરમિયાન પણ કામગીરી ચાલુ રાખવા સૂચના

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો, ખાસ કરીને રોડ, પાણી અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે તમામ એન્જિનિયરોને કામગીરીમાં ગુણવત્તા જાળવવા અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કડક સૂચના આપી છે.
બેઠકમાં વિગતો આપતા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં હાલ 13 રસ્તાઓ પર પાણીની લાઈન અને 16 રસ્તાઓ પર ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે. વડોદરાની વધતી વસ્તી અને જરૂરિયાતને ધ્યાને રાખી લગભગ 20 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનો બદલીને તેની ક્ષમતા વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેથી ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાય.
વિકાસના કામોને કારણે હાલમાં જે 32 જેટલા રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન અથવા રસ્તા બંધ કરવામાં આવ્યા છે, તેનાથી નાગરિકોને પડી રહેલી હાલાકી અંગે પણ ચર્ચા થઈ હતી. કમિશનરે આદેશ આપ્યો છે કે મોટાભાગના રસ્તાઓની કામગીરી માર્ચના અંત સુધીમાં પૂર્ણ કરી દેવી, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય. ડ્રેનેજના અમુક જટિલ કામો એપ્રિલ કે મે મહિના સુધી ચાલશે, પરંતુ તેને પણ વહેલી તકે પૂર્ણ કરવા માટે રાત્રિ દરમિયાન કામ કરવાની સૂચના અપાઈ છે.
કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે રસ્તાનું રિસર્ફેસિંગ હોય કે પેચવર્ક, તેમાં ગુણવત્તા જળવાવી જોઈએ. ફિલ્ડ વિઝિટ દરમિયાન ધ્યાને આવ્યું છે કે પેચવર્કને કારણે રસ્તાઓ ખરબચડા બને છે, તેને લેવલમાં કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગટરના ઢાંકણા અને રસ્તાના લેવલ વચ્ચેના તફાવતને કારણે થતા અકસ્માતો રોકવા માટે પણ સૂચના અપાઈ છે.
બેઠકમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ જેવા કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ, ફાયર સ્ટેશન અને યોગ સ્ટુડિયોના કામો કયા તબક્કે છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કોર્પોરેશનની આવક વધારવા માટે વેરા વસૂલાત અને હોર્ડિંગ્સ સાઇટ્સ અંગે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top