શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે નોંધાયેલા કેસને લઈને ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ઝુનસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જાતીય સતામણીના કેસમાં સંભવિત ધરપકડથી બચવા માટે તેમણે આગોતરા જામીન અરજી દાખલ કરી છે, જેના પર 27 ફેબ્રુઆરીએ Allahabad High Courtમાં સુનાવણી થવાની છે. કેસ કોર્ટ નંબર 72માં જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિંહાની એકલ બેન્ચ સમક્ષ રજૂ થશે. આવતીકાલની આ સુનાવણી સમગ્ર મામલે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શંકરાચાર્યના સમર્થનમાં આગળ આવેલા દિનેશ ફલાહારી મહારાજે આરોપ લગાવનાર વિદ્યાર્થીઓના નાર્કો-એનાલિસિસ ટેસ્ટ કરવાની માંગ ઉઠાવી. તેમણે દાવો કર્યો કે આ સમગ્ર પ્રકરણ કોઈ સાઝિશનો ભાગ હોઈ શકે છે અને સત્ય બહાર લાવવા માટે તપાસ જરૂરી છે. ફલાહારી મહારાજે જણાવ્યું કે તેમણે આ અંગે રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શંકરાચાર્યને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓએ એવો પણ દાવો કર્યો કે તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી ધમકીઓ પણ મળી રહી છે.
બીજી તરફ, લેખિકા ભૂમિકા દ્વિવેદીના નિવેદનોને કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ભૂમિકાએ જણાવ્યું કે વર્ષ 2000 દરમિયાન તેઓ લગભગ બે મહિના સુધી શંકરાચાર્યના આશ્રમમાં રહી ચૂક્યા છે. તેમના જણાવ્યા અનુસાર આશ્રમનું વાતાવરણ બહારથી દેખાતું એટલું પવિત્ર નથી. તેમણે આશ્રમમાં ગુપ્ત ઓરડાઓ, વૈભવી સુવિધાઓ અને નિયંત્રિત વ્યવસ્થા હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં સામાન્ય લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવતી નહોતી. ભૂમિકાએ એવો પણ આક્ષેપ કર્યો કે આશ્રમમાં રહેતા બાળકોને તેમના માતાપિતા સાથે સંપર્ક કરવાની છૂટ નહોતી. આશ્રમની ઇમારત બહુ માળની છે અને તેમાં સ્વિમિંગ પૂલ, લિફ્ટ અને વિશેષ ગેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ છે. તેમણે કહ્યું કે શંકરાચાર્યની મુલાકાત સમયે આશ્રમમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી અને કેટલાક લોકોને દૂર રાખવામાં આવતા. જોકે, તેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સાથે સીધી મુલાકાત અથવા વ્યક્તિગત વાતચીત ન થઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ તમામ આક્ષેપો વચ્ચે કેસ હવે સંપૂર્ણપણે કાનૂની દિશામાં આગળ વધી રહ્યો છે. એક તરફ શંકરાચાર્ય આગોતરા જામીન માટે લડી રહ્યા છે, તો બીજી તરફ તેમના સમર્થકો આરોપ લગાવનારાઓ સામે કડક કાર્યવાહી અને નાર્કો ટેસ્ટની માંગ કરી રહ્યા છે. ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. હાલ તમામની નજર આવતી કાલે 27 ફેબ્રુઆરીની રોજ થનારી સુનાવણી પર ટકેલી છે. કોર્ટ શું નિર્ણય લે છે તે આધારે આ સમગ્ર વિવાદને નવી દિશા મળી શકે છે.