આત્મવિશ્વાસ: “સતત 6ઠ્ઠી વાર ફોર્મ ભરતા જી.બી. સોલંકીનો દાવો- ‘અમને જ મળશે મેન્ડેટ, મતદારોનો ભરોસો અકબંધ’.”



વડોદરા: જિલ્લાના સહકારી ક્ષેત્રની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા ગણાતી બરોડા ડેરીના સત્તાધામ સુધી પહોંચવા માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આગામી 18 માર્ચના રોજ યોજાનાર ચૂંટણી માટે વર્તમાન બોર્ડના માંધાતાઓએ રણશિંગુ ફૂંકી દીધું છે. ડેરીના વાર્ષિક ₹1400 કરોડના વહીવટ પર કબજો જમાવવા માટે વર્તમાન ચેરમેન દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન જી.બી. સોલંકી સહિત કુલ 13 ડિરેક્ટરોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.
બરોડા ડેરીના રાજકારણમાં આ વખતે એક નવો વળાંક જોવા મળ્યો છે. વર્તમાન 13 ડિરેક્ટરોએ એકસાથે ફોર્મ ભરીને મોવડીમંડળને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ એકજૂથ છે. ’13 નહીં તો એક પણ નહીં’ની રણનીતિ અપનાવીને વર્તમાન બોર્ડે પોતાની દાવેદારી મજબૂત કરી છે. જોકે, ભાજપ પ્રેરિત પેનલ નક્કી કરવા માટે આજે પ્રદેશ નિરીક્ષકો વડોદરા આવી રહ્યા છે, ત્યારે જો આ પેનલમાં વર્તમાન સભ્યોની બાદબાકી થશે તો મોટા બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
સતત છઠ્ઠી વખત ઉમેદવારી નોંધાવનાર વાઇસ ચેરમેન જી.બી. સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે દૂધ ઉત્પાદકોના હિત અને ડેરીના વિકાસ માટે કટિબદ્ધ છીએ. મતદારો ફરી એકવાર અમારા પર વિશ્વાસ મૂકશે.” મેન્ડેડ બાબતે પૂછાયેલા પ્રશ્ન પર તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, મેન્ડેડ ન મળે તેવી કોઈ શક્યતા નથી, અમને પૂરો ભરોસો છે કે પક્ષ અમને જ મેન્ડેડ આપશે.
ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠક પાદરાની બની રહેશે, જ્યાં વર્તમાન ચેરમેન દિનુ મામાની સામે તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી ભાસ્કર પટેલે ઉમેદવારી નોંધાવીને પડકાર ફેંક્યો છે. બીજી તરફ, છોટાઉદેપુર બેઠક પરથી સંગ્રામસિંહ રાઠવાએ સમર્થકો સાથે ફોર્મ ભરતા જણાવ્યું હતું કે, “વિરોધીઓ વિરોધ કરતા રહેશે, પણ અમે માત્ર કામ પર ધ્યાન આપીશું.”
:- નજર આના પર: શું કેસરીયો ગઢ અકબંધ રહેશે?…
બરોડા ડેરીના સત્તાવાર જંગમાં આજે પ્રદેશ નિરીક્ષકોની મુલાકાત નિર્ણાયક સાબિત થશે. એક તરફ વર્તમાન 13 ડિરેક્ટરોની ‘એકતા’ છે, તો બીજી તરફ સત્તા પરિવર્તન ઈચ્છતા નવા ચહેરાઓ. જો ભાજપ હાઈકમાન્ડ નવા ચહેરાઓને સ્થાન આપશે, તો ડેરીના રાજકારણમાં વર્ષોથી વર્ચસ્વ ધરાવતા જૂના જોગીઓ સામે બળવો થવાની પૂરેપૂરી શક્યતા છે. 18 માર્ચે દૂધ ઉત્પાદકો કોના ભાગ્યનો ફેંસલો કરે છે, તેના પર સહકારી આલમની મીટ મંડાયેલી છે.