વડોદરામાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન, લેબર કોડ પાછા ખેંચવાની માંગ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 12
કેન્દ્ર સરકારની મજૂર વિરોધી અને આર્થિક નીતિઓના વિરોધમાં આજે 12 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી બેન્ક હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. એઆઈબીએ, એઆઈબીઓએ અને બેફી સંગઠનના આહ્વાનને પગલે વડોદરા શહેરમાં પણ બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા અને સરકારની નીતિઓ સામે ઉગ્ર સુત્રોચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
બેન્ક કર્મચારીઓ દ્વારા સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા ચાર લેબર કોડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં બેન્કોમાં પાંચ દિવસનો સપ્તાહ અમલી બનાવવો, પૂરતી ભરતી કરવી, જૂની પેન્શન યોજના પુનઃ અમલમાં લાવવી અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) પાછી ખેંચવાની માંગનો સમાવેશ થાય છે.
કર્મચારીઓનું કહેવું છે કે નવા લેબર કોડના અમલથી શ્રમિકોના અધિકારો પર આંચ આવશે. યુનિયન રચના, તેનું સંચાલન અને હડતાળનું આયોજન કરવું મુશ્કેલ બનશે. આ કોડથી માલિકોને છટણી, તાળાબંધી અને કર્મચારીઓને મનમાની રીતે દૂર કરવાની સત્તા મળશે, જેનાથી કામદારોનું શોષણ વધશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ હડતાળ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના આહ્વાન હેઠળ યોજાઈ હતી, જેમાં બેન્કોના ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ લેબર પ્રથા, લેબર કોડ, વીજળી સુધારા બિલ અને મનરેગામાં કરાયેલા ફેરફારોનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ આંગણવાડી અને આશા વર્કરોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવા તેમજ ખેડૂત વિરોધી નીતિઓ રદ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.
વડોદરાના મુજમહુડા વિસ્તારમાં યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં બેન્ક કર્મચારીઓએ “લેબર કોડ પાછા ખેંચો” અને “હિટલરશાહી નીતિઓ નહીં ચાલે” જેવા નારા લગાવ્યા હતા. આ વિરોધમાં વિવિધ મુખ્ય સંગઠનોના સભ્યો પણ જોડાયા હતા.