Business

‘જનગણમન’ પહેલા ‘વંદે માતરમ્’ ગાવાનો નવો નિયમ પણ નાગરિકો દેશભક્તિનું સમજે તે જરૂરી

ભારત દેશ આઝાદ થયો ત્યારથી દેશમાં ‘જનગણમન’ને રાષ્ટ ગીતનો અને ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણે શાળાઓથી માંડી તમામ સ્થળોએ જ્યારે રાષ્ટ્રીય ગીત ગાવાનું હોય ત્યારે ‘જનગણમન’ ગીત ગાવામાં આવતું હતું. પ્રસિદ્ધ બંગાળી લેખક અને કવિ બંકિમ ચંદ્ર ચેટર્જીનું વંદે માતરમ્ ગીત પહેલીવાર 7 નવેમ્બર 1875ના રોજ સાહિત્ય પત્રિકા ‘બંગદર્શન’માં પ્રકાશિત થયું હતું.

જોકે, ત્યારે તેની કોઈ ખાસ ચર્ચા થઈ નહોતી. 7 વર્ષ પછી 1882માં બંકિમ ચંદ્ર ચેટર્જીએ આ ગીતને પોતાની જ નવલકથા ‘આનંદમઠ’માં સામેલ કર્યું હતું. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી પછી, ઓલ ઈન્ડિયા રેડિયો પર જે પહેલું ગીત વાગ્યું તે ‘વંદે માતરમ્’ હતું પરંતુ  24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાના છેલ્લા સત્રમાં અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે જાહેરાત કરી હતી કે  ‘રવીન્દ્રનાથ ટાગોરનું લખેલું ‘જન ગણ મન’ ભારતનું રાષ્ટ્ર ગીત હશે અને આઝાદીની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ‘વંદે માતરમ્’ ગીત રાષ્ટ્રીય ગીત રહેશે. તેને પણ રાષ્ટ્રીય ગીત જેવો જ દરજ્જો આપવામાં આવશે.  આ નિર્ણય જાહેર થયા બાદ તે સમયે બંધારણ સભાના તમામ સભ્યોએ જન ગણ મન અને વંદે માતરમ્ બંને ગીતો ગાયા.

સત્તાવાર રીતે રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા કે- રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સલામી, પરેડ, રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા વગેરે પર રાષ્ટ્રગીત ગાવાનો નિયમ છે. વંદે માતરમ્ માટે આવી કોઈ બાધ્યતા નહોતી. જોકે, ભાજપે સત્તામાં આવ્યા બાદ ‘વંદે માતરમ્’ ગીતને રાષ્ટ્ર ગીત જેવું મહત્વ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં ‘વંદે માતરમ્’ ગીતની રચનાના 150 વર્ષની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

હવે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે કે ‘જનગણમન’ની જેમ જ તેની પહેલા ‘વંદે માતરમ્’ પણ ગાવામાં આવશે. તે પણ પૂરા 6 સ્ટેન્ઝા, જેને ગાવામાં 190 સેકન્ડ લાગશે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તા.28મી જાન્યુઆરીના રોજ નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી અને હવે તેનો અમલ શરૂ કરવામાં આવશે.  જે નવા નિયમો લાવવામાં આવ્યા તેમાં જ્યારે રાષ્ટ્રીય ધ્વજને પરેડમાં લાવવામાં આવશે, ત્યારે વંદે માતરમ્ ગાવું કે વગાડવું પડશે.

રાષ્ટ્રીય ધ્વજ ‘તિરંગો’ ફરકાવતી વખતે રાષ્ટ્રગીતનું ઓફિશિયલ વર્ઝન એટલે કે 6 પેરેગ્રાફ વાળું વર્ઝન ગાવામાં આવશે. તેને બદલી શકાતું નથી. સરકારના કોઈપણ સત્તાવાર કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના આવવા અને જવાના સમયે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. દૂરદર્શન, આકાશવાણી જેવા સરકારી મીડિયા પ્લેટફોર્મ્સ પર રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સંબોધન પહેલા અને પછી વંદે માતરમ્ વગાડવામાં આવશે. રાજ્યપાલ કે ઉપરાજ્યપાલ, જ્યારે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ફોર્મલ ઇવેન્ટ્સમાં આવશે અને જશે, ત્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે.

ભારત રત્ન, પદ્મ પુરસ્કાર જેવા સન્માન સમારોહમાં વંદે માતરમ્ વગાડવામાં આવશે. જો કેન્દ્ર સરકાર કોઈ ખાસ કાર્યક્રમ માટે અલગથી આદેશ જાહેર કરે છે, તો ત્યાં પણ આ નિયમ લાગુ થશે. શાળાઓમાં દિવસની શરૂઆત દરમિયાન ‘વંદે માતરમ્’નું સામૂહિક ગાન કરાવવામાં આવશે. જનપ્રતિનિધિઓ કે સન્માનિત લોકોની હાજરી વાળા સામાન્ય કાર્યક્રમોમાં પણ વંદે માતરમ્ ગાઈ શકાય છે. ‘જનગણમન’ને લઈને સ્પષ્ટ કાનૂની પ્રોટોકોલ છે. તેનું અપમાન કરવા પર 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જોકે, હાલમાં ‘વંદે માતરમ્’ માટે એવી સજાની જોગવાઈ નથી.

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ‘વંદે માતરમ્’ ગીતને વધુ મહત્વ આપવા પાછળ રાજકારણ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સત્ય એ છે કે ‘જનગણમન’ ગાવો કે પછી ‘વંદે માતરમ્’ ગાવો, જ્યાં સુધી પ્રત્યેક દેશવાસી પોતાની દેશ પ્રત્યેની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી ગમે તે રાષ્ટ્રીય ગીત ગાશે પરંતુ દેશનું ભલું થવાનું નથી.  ખરેખર સરકારે પ્રત્યેક નાગરિક પોતાની જવાબદારી સમજે, પોતાના હક અને ફરજ સમજે તે માટે જાગૃતતા લાવવાની જરૂરીયાત છે. જે દેશમાં પીવાના પાણીના ગ્લાસને પણ જો સાંકળથી બાંધી રાખવો પડતો હોય તો તે દેશમાં ‘વંદે માતરમ્’ કે ‘જનગણમન’ ગાવામાં આવે, કોઈ જ ફરક પડે તેમ નથી તે હકીકત છે.

Most Popular

To Top