વડોદરા: વાઘોડિયાના નવાપુરા ખાતેના એક ખેતરમાં સંતાડેલા 4.216 કિગ્રા ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ગ્રામ્ય એસઓજી પોલીસે ધરપકડ કરી 58,296 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વાઘોડિયા પોલીસ મથકે તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
એસઓજી ગ્રામ્ય પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ.દેસાઈ તથા ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.કે.રાઉલજીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જે અંતર્ગત એસઓજી ટીમે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે વોચ રાખી માહિતી એકત્ર કરી હતી.
એસઓજીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નવાપુરા વાઘોડિયા ખાતે રહેતો જલ્પેશકુમાર ઉર્ફે પપ્પુ નટુભાઈ પટેલનાએ પોતાના કબ્જાના ખેતરમાં એનડીપીએસને લગતો મુદ્દામાલ સંતાડી રાખ્યો છે.
જે માહિતીને આધારે એસઓજીની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતાં 4.216 કિગ્રા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જે ગુનો કર્યા બાબતે એસઓજી ગ્રામ્ય પોલીસે જલ્પેશ ઉર્ફે પપ્પુ નટુભાઈ પટેલની ધરપકડ કરી 25,296 રૂપિયાની કિંમતનો 4.216 કિગ્રા ગાંજાનો જથ્થો ,મોબાઈલ ફોન , 3 હજાર રોકડા તથા એક મોટરસાયકલ મળી કુલ કિંમત 58,296 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબનો કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.