સાપુતારા : વલસાડ રહેતી 28 વર્ષીય યુવતી અને તેણીના પરિવારના સભ્યો આહવા ખાતે ફરવા માટે આવ્યા હતા. ત્યારે આહવા નજીક આવેલા દેવીનામાળ કેમ્પ સાઇટ જતા ગેટ પાસે 7 – 8 વ્યક્તિઓ દ્વારા યુવતીનાં પરિવારનાં સભ્યોને માર મારવામાં આવ્યો હતો. તેમજ યુવતીની છેડતી કરવામાં આવી તેવા આક્ષેપો સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે.
વલસાડની યુવતી મૃનાલી મુન્ના સિંગ તેમના કુટુંબી ભાઈ તથા અન્ય સંબધી સાથે આહવાથી સ્કુટી તથા કારમાં સવાર થઈ દેવીનામાળ કેમ્પ સાઇટ ખાતે ફરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે દેવીનામાળ કેમ્પ સાઇટ ગેટ પાસે પહોચતા સામેથી અર્ટિગા તથા મોટરસાયકલ પર (૧) સંજયભાઈ દેશમુખ (૨) સુરજભાઇ બાગુલ (પીનુ) (૩) મનોજભાઈ બાગુલ (૪) રાજેન્દ્રભાઇ પવાર (૫) કરણ સાયબુ (૬) રાહુલભાઈ વિજયભાઈ (બોબ) અને (૭) બીજા અન્ય ત્રણેક ઇસમો (તમામ રહે.આહવા)એ યુવતીનાં સંબધીઓનાં વાહન સામે અર્ટીગાં કાર ઉભી રાખી અપશબ્દો બોલવા લાગ્યા હતા.
તે વેળાએ યુવતીના કુંટુબીભાઈએ ‘અમારી સામે અર્ટીગાં ઉભી રાખી ગાળો કેમ આપો છો? તેમ કહેતા અર્ટિગા તથા મોટરસાયકલ પર સવાર વ્યક્તિઓએ ઉશ્કેરાઇ યુવતીના કુટુંબી ભાઈને ઢીકા-મુક્કીનો માર મારવા લાગ્યા હતા. ત્યારે યુવતી તથા અન્ય પરિવારના સભ્યો બચાવવા વચ્ચે પડતા તેઓને પણ ઢીકા-મુક્કી કરી માર માર્યો હતો. અને યુવતીની લાજ લેવાના ઇરાદે ઓઢણી ખેંચી હાથ ખેંચી છેડતી કરવામાં આવી હતી એવા આક્ષેપો સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલા છે. હાલમાં આ બનાવને લઇને આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એ.એચ.પટેલે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.