સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતા રત્નકલાકારના (Diamond Worker) પુત્રએ પૂણા ગામની યુવતીને ભગાડી કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. યુવતીના પરિવારે યુવકના પિતા અને કાકાનું અપહરણ કરીને લઈ જઈ ધમકી (Threat) આપી હતી. દરમિયાન યુવકના પિતાને રસ્તામાં ઉતારી નાખી તેના કાકાનું અપહરણ કરીને લઈ જતા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.
- ‘અમારી દિકરી શોધીને આપો, નહીં તો અમે માર મારી તમારા હાથ ટાટીયાં તોડી નાખીશું’
- ગોડાદરામાં રત્નકલાકારનો પુત્રએ પૂણા ગામની યુવતીને ભગાડી કોર્ટમાં લગ્ન કરી લેતાં યુવતીનો પરિવાર યુવકના પિતા અને કાકાનું અપહરણ કરી લઈ ગયો
- યુવકના પિતાને અધવચ્ચે ઉતારી તેના કાકાનું અપહરણ કરી લઈ ગયા
ગોડાદરા ખાતે સુમનગંગા આવાસમાં રહેતા 45 વર્ષીય વિનુભાઇ માધાભાઇ મકવાણા રત્નકલાકાર છે. ગત 20 તારીખે બપોરે તેમના મોટાભાઈ ઝીણાભાઇનો દિકરો સંદિપ મકવાણા (ઉ.વ.૨૩) પૂણા સીતારામ સોસાયટીમાં રહેતા ઘુઘાભાઇ કાતરીયાની દિકરી ગીતાબેન કાતરીયા (ઉ.વ.૨૨) ને લઈને ભાગી ગયો હતો. બંને જણાએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. જે અંગે પોસ્ટ મારફતે તેમના ઘરે લેટર આવતા જાણ થઈ હતી. જેની અદાવત રાખી ગઇકાલે વિનુભાઈના નાનાભાઈ મનુભાઇ મકવાણાના ઘરે હિમ્મતભાઇ કાતરીયા (રહે. માંકણા ગામ કડોદરા), સાર્દુલભાઇ કાતરીયા, આતુભાઇ કાતરીયા તથા દિલીપભાઇ કાતરીયાએ જઈને ધમકી આપી હતી કે, ‘આવતીકાલે સવારે તમારા ભાઇ વિનુભાઇ મકવાણાને ત્યાં ભેગા થજો અને ભેગા થઇ અમારી છોકરી જ્યાં હોય ત્યાંથી અમને મેળવી આપશો. નહીં તો તમારા જોવા જેવા હાલ થશે’. તેમ કહીને ત્યાંથી નીકળી ગયા હતા.
આજે સવારે મનુભાઇ મકવાણાએ વિનુભાઈના ઘરે આવી વાતચીત કરી હતી. દરમિયાન ચારેય જણા ત્યાં આવ્યા હતા. આવીને વિનુભાઈ સાથે તથા તેમના નાના ભાઈ સાથે દિકરી અંગે પુછપરછ કરી ઝપાઝપી કરી માર માર્યો હતો. અને વિનુભાઈને બળજબરીથી તેઓ ફોર વ્હિલ ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. બંને ભાઈઓનું અપહરણ કરી દેવધ ગામ તરફ જવાના રસ્તા તરફ લઇ ગયા હતા. અને રસ્તામાં ધમકીઓ આપતા હતા કે, ‘અમારી દિકરી જ્યાં હશે ત્યાંથી કોઇ પણ હિસાબે અમને પરત શોધીને આપો નહીં તો તમને અમે માર મારી હાથ ટાટીયા તોડી નાખીશું’ કહીને ધમકી આપી હતી. થોડે આગળ કોઇકનો ટેલિફોન આવી જતા વિનુભાઈને ગાડીમાંથી રસ્તામાં જ ઉતારી દીધા હતા. અને તેમના નાનાભાઇ મનુભાઇ મકવાણાને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. ગોડાદરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.