પારડી: (Pardi) પારડી ચંદ્રપૂર નેશનલ હાઇવે નં 48 (National Highway No.48) પર સુરત તરફ જતી એક કાર બે વાહન વચ્ચે દબાઈ ગઈ હતી. આગળ ચાલતા ટેમ્પો ચાલકે બ્રેક મારતા કાર (Car) તેના પાછળ ઘૂસી હતી અને તેની પાછળ બીજો ટેમ્પો ઘૂસી જતાં બે વાહનો (Vehicle) વચ્ચે કાર આવી જતાં નુકશાન પહોચ્યું હતું. જોકે કારમાં સવાર મુંબઈના (Mumbai) બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
વાપીથી વલસાડ જતા ટ્રેક પર મુંબઈ ખાતે રહેતા બે મિત્ર દેવીપ્રસાદ અને આઝામ અજીઝ ખાન લાઈવ પ્રોગ્રામ માટે કારમાં વલસાડ આવી રહ્યા હતા. ત્યારે પારડી ચંદ્રપૂર નેહાનં 48 પર કારની આગળ ચાલતા ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા કાર ચાલકને પણ ઇમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી. જોકે કારની પાછળ ચાલતો ટેમ્પોના ચાલકે કાબૂ ગુમાવતાં કારમાં પાછળથી ધડાકાભેર અથડાવી દીધી હતી. કાર આગળ ચાલતા ટેમ્પોમાં પણ અથડાતાં બે વાહનો વચ્ચે કારનું કચુંબર બનતા કારને નુકશાન પહોચ્યું હતું. આ અકસ્માત બાદ આગળ ચાલતો ટેમ્પોચાલક ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હતો. જ્યારે પાછળનો ટેમ્પો ચાલક ઘટના સ્થળે ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે પોલીસ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અજાણ્યા વાહને અડફેટે લેતા વૃદ્ધનું મોત
વલસાડ: કપરાડા-નાશિક માર્ગ પર કપરાડા ટાઉન ખાતે પૌત્ર સાથે શાકભાજી ખરીદવા આવેલા દાદાનું રસ્તો ક્રોસ કરતી વેળાએ અજાણ્યા બાઈક સવારે અડફેટે ચઢાવતા તેમને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી દવાખાને લઈ જવાતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી ગાવજી ચીમન ગુનગુનીયા રહે.ચાંદવેંગણ, દહેવાર ફળિયું તા.કપરાડાએ કપરાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા ચીમન નવસુ ગુનગુનિયા ઉવ.70 સોમવારે કપરાડા ખાતે ભરાતા હાટ બજારમાં તેમના પુત્ર સાથે ગયા હતા. દરમિયાન તેમના પિતા કપરાડા ટાઉન ખાતે ટેસ્ટી ખમન સામેના માર્ગ પરથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને અડફેટે લેતા તેમને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સીએચસી કપરાડા લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.