ધર્મ…. જ્ઞાન…. વિજ્ઞાન…. અધ્યાત્મ….ગહન વિષયો ..જુદા જુદા વિષયો ..પણ ક્યાંક થોડાક તાંતણા જોડાયેલા…..આ જોડાયેલા તાંતણાઓને સમજવા માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં એક બહુ સરસ વાત રજૂ કરવામાં આવી. જીવવિજ્ઞાનના પ્રોફેસરે સમજાવ્યું કે આપણે રોજ ખોરાક લઈએ છીએ.રોજ ખોરાક લેવો જરૂરી પણ છે પરંતુ એથી વધારે જરૂરી છે તે ખોરાકનું બરાબર પાચન થવું અને વધેલો નકામો કચરો ૨૪ કલાકની અંદર શરીરની બહાર નીકળી જવો જોઈએ, નહિ તો આપણે બીમાર પડીએ છીએ.બીજી વાત પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ અને આપણે જે પાણી પીએ છીએ તે પાણી લગભગ ચાર કલાકની અંદર શરીરની અંદરથી પસાર થઇ પરસેવા અને મૂત્ર રૂપે બહાર ફેંકાઈ જાય છે.આ પાણીનું બહાર ફેંકાવું પણ ખૂબ જ જરૂરી છે નહિ તો કીડનીને નુકસાન થાય છે અને આપણે બીમાર પડીએ છીએ અને એથી પણ વધારે મહત્ત્વનો છે શ્વાસ લેવો. આપણે શ્વાસમાં હવા નાક વાટે અંદર લઈએ છીએ, તેમાંથી ઓક્સીજન વાપરીએ છીએ અને કાર્બનડાયોકસાઈડ લગભગ એક મિનીટની અંદર બહાર કાઢી નાખીએ છીએ. જો તેમ ન થાય તો કાર્બનડાયોકસાઈડનું પ્રમાણ શરીરમાં વધી જાય છે અને તે શરીર માટે હાનિકારક છે.ખોરાક, પાણી અને હવા આ ત્રણે શરીર માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે પણ તેને પણ થોડા સમય બાદ છોડી દેવા પડે છે.
જીવવિજ્ઞાનના પ્રોફેસરે વિજ્ઞાનના હવે પોતાની વાતને જીવવિજ્ઞાનથી ..જીવન જ્ઞાન તરફ મોડ આપતાં કહ્યું, “આ પ્રકૃતિનો નિયમ છે.આ જીવનમાં જે કંઈ પણ ભૌતિક વસ્તુઓ આપણી પાસે હોય છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેને પણ આપણે છોડવી તો પડે જ છે.આ નિયમ પર જ પ્રકૃતિ કામ કરે છે અને જયારે આપણને આ જીવનનું સત્ય સમજાઈ જાય છે કે જીવનમાં કોઈ વસ્તુ કાયમ નથી ત્યારે કોઈ પણ વસ્તુ છોડવી આસાન થઇ જાય છે.સમજી લો, દરેક વસ્તુ જે તમારી હોય તો પણ તેની પર માલિકીભાવ ન રાખવો.દરેક વસ્તુ છોડતાં શીખવાની સાથે મનની મમત પણ છોડતાં શીખો.બધા હું કહું તેમ જ કરે તેવી જીદ છોડો.કોઈની વાતથી દુઃખ લાગ્યું હોય તો ૨૪ કલાકમાં તેને ભૂલી જાવ.કોઈની ભૂલ થઇ હોય તેને થોડા કલાકોમાં જ માફ કરી દો.ભૂલી જાવ અને આગળ વધો.આપણી ભૂલ થઇ હોય તો અભિમાન છોડી તરત જ માફી માંગી લો.”
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.