Editorial

અમેરિકા અને ચીનના કોલ્ડ વોરમાં ભારતીય કંપનીઓને વેપારને ઉજળી તક

How India's exports may benefit from US-China trade war - BusinessToday

હાલમાં જ ચીને અમેરિકાને પછાડીને વિશ્વના સૌથી અમીર દેશમાં સ્થાન મેળવી લીધું છે. જો કે, આ સમાચાર આવ્યા તેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ ચીન વિરૂદ્ધ એક મહત્વનો નિર્ણય લીધો છે. ચીન જે રીતે વેપારમાં દુનિયાભરમાં પગ પેસારો કરી રહ્યું છે તે જોતા હવે અમેરિકાએ પણ પાણી આવે તે પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકાએ તેના બજારમાં કાર્યરત ચીનની કંપનીઓ પર ગાળિયો વધારે કસ્યો છે. ચાઇનીઝ કંપનીઓએ અમેરિકામાં ઓડિટમાં વધારે માહિતી આપવી પડશે કે તેમના પર સરકારનો અંકુશ છે કે નહી અથવા તો સિક્યોરિટીઝ રેગ્યુલેટરના નિયમ મુજબ અમેરિકન શેરબજાર છોડવું પડશે. આના પગલે ઘણી ચાઇનીઝ કંપનીઓએ અમેરિકાના બજારમાંથી ઉચાળા ભરવા પડી શકે છે.

વોશિંગ્ટન અને બૈજિંગ વચ્ચે કંપનીઓના અમેરિકામાં ટ્રેડિગં કરતી કંપનીઓની વધુને વધુ માહિતી લાવવા અંગે લાંબા સમયથી ચાલતા વિવાદની વચ્ચે સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનેએ ગુરુવારે આ નિયમ પસાર કર્યો હતો.એસઇસીના જણાવ્યા મુજબ વિદેશી અધિકાર ક્ષેત્રમાં ઓડિટરનો ઉપયોગ કરનારી કંપનીઓએ પણ તે સુનિશ્ચિત કવું પડશે કે તેમની માલિકી કે કંટ્રોલ સરકારી એકમના હાથમાં નથી. તેના લીધે કંપનીઓએ તેના વાર્ષિક રિપોર્ટમાં વધારે માહિતી જણાવવી પડશે.એસઇસીએ જણાવ્યું હતું કે આના પગલે કેટલીક કંપનીઓ પર ટ્રેડિંગ પ્રતિબંધો લાદી શકે છે.

કંપનીઓ દ્વારા ખોટા રિપોર્ટિંગને અટકાવવા માટે બીજી સરકારો અમેરિકાની માંગો સાથે સહયોગ સાધવા તૈયાર થઈ ગઈ છે. પણ બૈજિંગે સલામતીનું કારણ આગળ ધરીને યુએસ પબ્લિક કંપનીઝ એકાઉન્ટિંગ ઓવરસાઇટ બોર્ડને ચાઇનીઝ ઓડિટરોની કામગીરીની સમીક્ષા કરવા દેવાનો ઇન્કાર કર્યો છે.ચાઇનીઝ સરકારે આ પગલાની ટીકા કરતા ચેતવણી આપી છે કે આના પગલે અમેરિકન રોકાણકારોને ઝડપથી વિકસતી કંપનીઓનું મળતું એક્સેસ બંધ થઈ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પગલું ચીનની કંપનીઓને રાજકીય રીતે દબાવવાનો અને ચીનના વિકાસને ડામવાનો પ્રયત્ન છે.

અમે તેને મક્કમતાથી વિરોધ કરીશું. ચાઇનીઝ કંપનીઓ અમેરિકાના નાણાકીય બજારોમાંથી કરોડો ડોલર ઉસેટે છે, પરંતુ આ કંપનીઓના માલિકીના અંકુશની સ્થિતિ અંગેની પારદર્શકતાના અભાવે બૈજિંગ સાથે આ વિવાદ વકર્યો છે. નવો નિયમ પીસીએઓબી જેને તપાસવાની કે ચકાસણી કરવામાં અસમર્થ રહી છે તેને પણ લાગુ પડે છે, આ ગ્રુપ મુખ્યત્વે ચાઇનીઝ છે. હવે ચાઇના અને અમેરિકા વચ્ચે ચાલતા આ કોલ્ડ વોરથી ભારતને કેટલો ફાયદો થાય છે તે ખૂબ મહત્વનું છે. ચીનની કંપનીઓ જો અમેરિકા છોડે તો ભારતને એક મોટુ માર્કેટ મળી શકે તેમ છે. ખાસ કરીને હાલમાં જ્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર સમગ્ર વિશ્વની નજર છે અને આ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓનો દબદબો છે.

જો ચીનની ફાર્મા કંપનીઓને અમેરિકા જાકારો આપશે તો તેનો સીધો લાભ ભારતીય ફાર્મા કંપનીઓને મળે તેમ છે અને તેના માટે ભારતીય કંપનીઓએ અત્યારથી જ સજ્જ થઇ જવું પડશે. ચીન અને અમેરિકા જે રીતે એક બીજા પ્રત્યે વર્તન કરી રહ્યું છે અને બંને દેશના ટોચના લીડર્સ તરફથી જે રીતના આક્ષેપ પ્રતિઆક્ષેપ થઇ રહ્યાં છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ કોલ્ડવોર વર્ષોના વર્ષો સુધી ચાલે તેમ છે. છેલ્લા ત્રણ વર્ષથી તો બંને દેશ એક બીજાની કંપનીઓના વ્યાપાર હિતો પર આક્રમણ કરતાં આવ્યા છે અને તે આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતા હોવાથી ભારતીય કંપનીઓ માટે આ એક મોકળુ મેદાન છે અને તેનો કેટલો લાભ ભારતીય કંપનીઓ મેળવી શકે છે તેના પર અત્યારથી જ કમર કસવી જોઇએ તો જ અમેરિકાના વેપારનો મોટો હિસ્સો ભારતને મળી શકે તેમ છે.

ફાર્માની સાથે સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઇટી ક્ષેત્રમાં પણ ભારતનો દબદબો છે. ભારતીય કંપનીઓ તો આ ક્ષેત્રમાં અગ્રેસર છે જ પણ સાથે સાથે મૂળ ભારતીયો પણ આ ફિલ્ડમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં  છે.  હાલમાં પણ અમેરિકામાં આ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓનો જ ડંકો વાગે છે પરંતુ જો ચીનની કંપનીઓ સ્પર્ધામાંથી નીકળી જાય તો તેનો મોટો લાભ ભારતીય કંપનીઓને મળી શકે તેમ છે.

Most Popular

To Top