Charchapatra

કદરદાની

કહેવામાં આવે છે કે આપણા દેશમાં, અન્ય દેશોની અપેક્ષાએ, કામચોરીની વૃત્તિ વધારે પ્રમાણમાં વ્યક્ત થતી જોવા મળે છે. સરકારી-અર્ધસરકારી અને ખાનગી નોકરીમાં પણ છેક નીચેથી ઉપર સુધી તમામને આ ચેપ લાગુ પડ્યો જણાય છે. પગારમાં રસ છે પણ ફરજ પ્રત્યે નિષ્ઠા નથી. વેતનના પ્રમાણમાં કામ  કરીએ તોય ઘણું. આજે સર્વત્ર નિયમિતતાનો અભાવ જોવા મળે છે. જો કોઈ નિયમિત હોય તો અનિયમિત રહેનારની ટીકા, નિંદા અને ઉપહાસના પાત્ર બને છે. ઉપરી અધિકારીની ફરતે ફરી અન્યો માટે દોષારોપણ કરે અને પોતે ફરજ પ્રત્યે સાવ બેદરકાર રહે છે.

સમયપાલનનો આગ્રહ રાખનાર જ યોગ્ય રીતે ફરજને ન્યાય આપી શકે છે. ચાપલૂસી લાંબે ગાળે નુકસાનકારક સાબિત થાય છે. આમ કરનારને પાઠ ભણાવવો જોઈએ અને નિયમિત રહેનારની કદર કરવી જોઈએ. સાચી પ્રશંસાના બે શબ્દોથી કાર્યમાં નિષ્ઠા ભળે છે. સફળતાનો પહેલો સિદ્ધાંત કાર્યરત રહેવું છે. જાણીતી રમૂજ છે-આ છે હાસ્ય ટુચકો તેમાંથી કઈ વૃત્તિ ધ્વનિત થાય છે, તે જોવાનું છે. શેઠે સેલ્સમેનને બોલાવીને કહ્યું: “તું આવ્યો ત્યારથી હું તારો વ્યવહાર નોંધ્યા કરું છું. સહુથી વહેલો આવે છે, મોડો જાય છે, બધા સેલ્સમેન કરતાં વધારે માલ વેચે છે, ગ્રાહકો સાથે હસીને વાત કરે છે, ગ્રાહકો પણ તારા પર અને દુકાન પર ખુશ થઈને જાય છે.”

“કદર માટે આપનો આભાર,” હોંશીલા સેલ્સમેને  વિવેકથી જવાબ આપ્યો. “સમજ્યા હવે, આજથી તને છૂટો કરવામાં આવે છે. તારા જેવા ઉત્સાહીને ને કામગરા સેલ્સમેનો જ આગળ જતાં નવી દુકાન કરી હરીફાઈમાં ઊતરે છે. મારે એ સ્થિતિ નથી જોઈતી. વિદાય થા…” આ પ્રસંગ સ્મિત માટેનો છે. ચાલો જે હશે તે.

નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારને સજા અને બેદરકારને મજા!  આજે સારું કામ-વર્તન કરનારની કદર થતી નથી. સંસ્કારી વ્યક્તિના યોગ્ય આચરણને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. આ પ્રસંગમાં સેલ્સમેનને છૂટો કરાયો તે માટે સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર શું કહે છે?  જો કે શિક્ષણ ઉપરાંત અનુભવ-કાર્ય જેવાં પાસાંઓ પણ માનવઘડતરનું કાર્ય કરે છે. કદરદાની અપનાવીએ. પ્રશંસા નિઃસ્વાર્થ અને નિખાલસ હોય તો ફાયદાકારક બને છે.
નવસારી   – કિશોર આર. ટંડેલ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top