SURAT

સિવિલમાં 52મુ સફળ અંગદાન: 23 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું

સુરતઃ સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલથી (New Civil Hospital) વધુ એક સફળ અંગદાન (Organ Donation) થયું છે. સુરત નજીક આવેલા મગદલ્લા ખાતે રહેતા અને રસોઈકામ કરતા બ્રેઈનડેડ નબરાજ ભુજેલના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

મૂળ ધનુસા નગરપાલિકા, ગણેશમાન સારનાથ વોર્ડ નં-૫, નેપાળના વતની 23 વર્ષીય નબરાજ બહાદુરભાઇ ભુજેલ રસોઈ કામ સાથે સંકળાયેલ હતા. તા. 2 જાન્યુ.ના રોજ પોતાની બહેનના ઘરેથી બાઈક પર પરત ફરી રહ્યા હતાં, ત્યારે બાઇકનો અકસ્માત થયો હતો. રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ નબરાજના મોબાઇલથી સંપર્ક કરી ઘરપરિવારને જાણ કરી હતી અને 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તા.૦૨ જાન્યુ.એ રાત્રે વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજનું નિદાન થતા સિવિલના આઇસીયુમાં શિફ્ટ કરાયા હતા. સઘન સારવાર બાદ તા. 4 થીએ રાત્રે 9:49 વાગ્યે ડો.જય પટેલ તથા ડો.હરિન મોદી, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

નેપાળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ નબરાજના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. મગદલ્લાના ભાટિયા ફાર્મમાં રહેતા તેમના પત્ની ભગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા તા.૫મીએ બ્રેઈનડેડના કિડની અને લીવરને અમદાવાદની KD હોસ્પિટલ ખાતે તથા હ્રદય સિમ્સ હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયા વિભાગના વડા ડો.નિતા કવિશ્વરના માર્ગદર્શનમાં એનેસ્થેસિયાના ડોક્ટર્સની ટીમ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 52 મુ સફળ અંગદાન થયું છે.

Most Popular

To Top