Business

1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા પર તેની સીધી અસર કેવી પડશે?

નવી દિલ્હી: ઓક્ટોબર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આવતીકાલથી નવો મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં, દર મહિનાની જેમ, નવેમ્બરની શરૂઆતમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે, જે ફક્ત તમારા ખિસ્સાને જ નહીં, પરંતુ તમારા જીવનને પણ અસર કરશે. મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરની (LPG Price) કિંમતમાં ફેરફારની સાથે વીમા દાવા (Insurance Claim) સંબંધિત નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. આ સિવાય ભારતીય રેલવે ટ્રેનોના ટાઈમ ટેબલમાં (Indian Railway Time Table) પણ ફેરફાર કરી શકે છે.

ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખની જેમ 1 નવેમ્બરે પેટ્રોલિયમ (Petroleum) કંપનીઓ દ્વારા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે અને નવા દર જારી કરવામાં આવશે. કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં 14 કિલો ઘરેલું અને 19 કિલો કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપી હતી. પરંતુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં વધારાને જોતા એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે.

OTP પર સિલિન્ડરની ડિલિવરી
બીજો ફેરફાર પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર સાથે સંબંધિત છે. વાસ્તવમાં, નવેમ્બરની પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયા બદલવામાં આવી રહી છે. તે વન ટાઇમ પાસવર્ડ પ્રક્રિયા દ્વારા ડિલીવરી કરવામાં આવશે. આ અંતર્ગત ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. આને ડિલિવરી બોય સાથે શેર કરવાનોરહેશે અને સિસ્ટમને OTP સાથે મેચ કર્યા પછી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.

વીમા દાવા સંબંધિત નિયમો બદલાશે
વીમા નિયમનકાર IRDAI તરફથી નવેમ્બરની પહેલી તારીખથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ હેઠળ, વીમા કંપનીઓ માટે 1 નવેમ્બર, 2022 થી KYC વિગતો પ્રદાન કરવી ફરજિયાત બનાવી શકાય છે. હાલમાં, નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે, પરંતુ 1 નવેમ્બરથી તેને ફરજિયાત બનાવવામાં આવી શકે છે. આનો સીધો અર્થ એ છે કે જો વીમાના દાવા સમયે KYC દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી, તો દાવો રદ કરી શકાય છે.

વીજળી સબસિડીનો નવો નિયમ
જો તમે દિલ્હીમાં રહો છો અને વીજળી સબસિડીનો (Power Subsidy) લાભ લઈ રહ્યા છો, તો આ ફેરફાર તમને અસર કરશે. વાસ્તવમાં 1 નવેમ્બરથી દિલ્હીમાં વીજળી સબસિડીનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને વીજળી પર સબસિડી નહીં મળે. આ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022 નક્કી કરવામાં આવી હતી. નોંધનીય છે કે દિલ્હીના રહેવાસીઓએ દર મહિને 200 યુનિટ મફત વીજળી મેળવવા માટે નોંધણી કરાવવી પડશે.

GST રિટર્નમાં કોડ આપવાનો રહેશે
GST રિટર્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GST રિટર્નમાં ચાર અંકનો HSN કોડ લખવો ફરજિયાત રહેશે. અગાઉ બે-અંકનો HSN કોડ નાખવો પડતો હતો. અગાઉ, પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રિલ, 2022થી ચાર અંકનો કોડ અને પછી 1 ઓગસ્ટ, 2022થી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

Most Popular

To Top