Columns

રેલવેના ૩૫ રૂપિયાના રિફન્ડ માટેની લડાઈનો લાભ ૨. ૯૮ લાખ યાત્રિકોને મળશે

ભારતનું રેલવે તંત્ર હાથી જેવું થઈ ગયું છે. હાથી પોતાની મસ્તીમાં ચાલતો હોય ત્યારે તેની હેઠળ અસંખ્ય કીડીઓ કચડાઈ જાય તેથી હાથીને કંઈ ફરક પડતો નથી. તેવી રીતે રેલવેના અટપટા કેન્સલેશનના નિયમોને કારણે રેલવેમાં મુસાફરી કરનારાં લાખો પેસેન્જરોના કરોડો રૂપિયા રેલવે તંત્ર હજમ કરી જાય છે. તેનું ઉદાહરણ રેલવે દ્વારા વેઈટિંગ લિસ્ટમાં રહેલી પણ કન્ફર્મ ન થયેલી ટિકિટ પર વસૂલ કરવામાં આવતો કેન્સલેશન ચાર્જ છે. એક સમય હતો કે જ્યારે આપણે કોઈ ટ્રેનમાં મુસાફરી માટે વેઈટિંગ લિસ્ટમાં ટિકિટ કરાવી હોય અને તે કન્ફર્મ ન થાય તો રિઝર્વેશન કાઉન્ટર પર આપણને તેનું ૧૦૦ ટકા રિફન્ડ મળી જતું હતું.

હવે નથી મળતું. તાજેતરમાં આ લખનારે વલસાડથી બોરીવલી જવા માટે ડબલ ડેકર એક્સપ્રેસમાં બે ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં બૂક કરાવી હતી. આ ટિકિટ છેક ચાર્ટ બની ગયો ત્યાં સુધી કન્ફર્મ ન થતાં તેને કેન્સલ કરાવી તો આઈઆરસીટીસી દ્વારા મારા ૨૦૬ રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. મેં ભરેલા ૭૭૬ રૂપિયા સામે મને ૫૭૦ રૂપિયા રિફન્ડ મળ્યું હતું. રેલવે તંત્ર દ્વારા રિફન્ડના નિયમોમાં કરવામાં આવતા મનસ્વી ફેરફારોના કારણે મારા ૨૦૬ રૂપિયા ડૂબી ગયા હતા. જો રેલવે તંત્ર સામે ફાઈટ કરવામાં આવે તો રેલવે દ્વારા હજમ કરવામાં આવતાં આવા કરોડો રૂપિયાનું રિફન્ડ મેળવી શકાય છે, તેવું ઉદાહરણ જાણવા મળ્યું છે.

કોટામાં રહેતા નાગરિકે પાંચ વર્ષ પહેલાં તેની ટિકિટ કેન્સલ કરાવી હતી. તેને ૧૦૦ રૂપિયા રિફન્ડ મળવાપાત્ર હતું. આઈઆરસીટીસી દ્વારા તેના ખાતાંમાં માત્ર ૬૫ રૂપિયા જમા કરાવાયા હતા. તેણે પાંચ વર્ષ સુધી આરટીઆઈના કાયદાનો ઉપયોગ કરી ફાઇટ આપી તો રેલવેને તેમને ૩૫ રૂપિયા રિફન્ડ કરવાની ફરજ પડી હતી. તેનો લાભ તેમની જ જેમ રૂપિયા ગુમાવનારા બીજા ૨. ૯૮ લાખ યાત્રિકોને મળ્યો હતો. તેમનાં ખાતાંમાં ૨.૪૩ કરોડ રૂપિયા જમા કરવાની રેલવેને ફરજ પડી હતી. જો દરેક નાગરિકો આવી રીતે ફાઇટ આપે તો કરોડો રૂપિયા હજમ થતાં બચી જાય તેમ છે.

કોટામાં રહેતા સુજીત સ્વામીએ ૨ જુલાઈ, ૨૦૧૭ ના કોટાથી દિલ્હી જવા માટે ગોલ્ડન ટેમ્પલ મેલમાં ૭૬૫ રૂપિયામાં એક ટિકિટ બુક કરાવી હતી. તેમણે તે ટિકિટ કેન્સલ કરાવી તો તેમને ૭૦૦ રૂપિયાને બદલે ૬૬૫ રૂપિયાનું રિફન્ડ મળ્યું હતું. તેમણે તપાસ કરતાં કહેવામાં આવ્યું હતું કે તેમણે જે દિવસે ટિકિટ કેન્સલ કરાવી તેને એક દિવસ પહેલાં જીએસટીનો કાયદો અમલમાં આવ્યો હોવાથી તેમના ૬૫ રૂપિયા વત્તા સર્વિસ ટેક્સના ૩૫ રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. તેમણે દલીલ કરી કે તેમણે જ્યારે ટિકિટ બુક કરાવી ત્યારે સર્વિસ ટેક્સનો કાયદો અમલમાં નહોતો, તો કેવી રીતે ૩૫ રૂપિયા સર્વિસ ટેક્સના કાપી લેવામાં આવ્યા?

તેમને જવાબ આપવામાં આવ્યો હતો કે રેલવેના પરિપત્ર નંબર ૪૩ મુજબ જો ટિકિટ જીએસટીના લાગુ પડવા પહેલાં બુક કરવામાં આવી હોય અને જીએસટી લાગુ થયા પછી કેન્સલ કરવામાં આવી હોય તો બુકિંગ વખતે ભરવામાં આવેલા સર્વિસ ટેક્સનું રિફન્ડ મળશે નહીં. સુજીત સરકારને આ જવાબથી સંતોષ ન થયો ત્યારે તેમણે રેલવેનાં વિવિધ ખાતાંઓમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદા હેઠળ અરજીઓ કરવા માંડી અને પત્રો લખવા માંડ્યા. આ રીતે આશરે ૫૦ પત્રો લખ્યા પછી રેલવે તંત્ર દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો કે જે યાત્રિકોએ પોતાની ટિકિટ ૧ જુલાઈ પહેલાં બુક કરાવી હોય પણ ૧ જુલાઈ પછી કેન્સલ કરાવી હોય તેમને સર્વિસ ટેક્સનું રિફન્ડ આપી દેવું જોઈએ.

સુજીત સ્વામીની બે વર્ષની ફાઇટ પછી ૧મે, ૨૦૧૯ના રોજ રેલવે દ્વારા તેમને ૩૫ રૂપિયાનું રિફન્ડ તો આપવામાં આવ્યું, પણ તેમાંથી બે રૂપિયા જીએસટી કાપીને તેમના ખાતાંમાં ૩૩ રૂપિયા જ જમા કરવામાં આવ્યા. આ પણ રેલવેની બેઈમાની હતી, માટે સુજીત સ્વામીએ પોતાની લડત ચાલુ રાખી. બાકીના બે રૂપિયાના રિફન્ડ માટે તેમણે ત્રણ વર્ષ સુધી લડત આપવી પડી. રેલવે તંત્ર દ્વારા તેમનાં ખાતાંમાં બે રૂપિયા જમા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, પણ તેનાથી તેમને સંતોષ નહોતો. તેમણે આરટીઆઈ દ્વારા જાણ્યું કે તેમના જેવા ૨. ૯૮ લાખ યાત્રિકોના ૨.૪૩ કરોડ રૂપિયા ખોટી રીતે કાપવામાં આવ્યા હતા. તે બધાને રિફન્ડ મળવું જોઈએ, તેવી તેમની માગણી હતી. ગયા શુક્રવારે આઈઆરસીટીસી દ્વારા તેમનાં ખાતાંમાં બાકીના બે રૂપિયા પણ જમા કરાવવામાં આવ્યા અને માહિતી આપવામાં આવી કે ૨.૯૮ લાખ યાત્રિકોનાં ખાતાંમાં ૨.૪૩ કરોડ રૂપિયા જમા કરાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. હવે રેલવે તંત્ર ખરેખર આ રૂપિયા જમા કરાવે છે કે કેમ? તેની પણ દેખરેખ રાખવી પડશે અને આરટીઆઈ કરીને રેલવે પાસે તેનો પણ જવાબ મેળવવો પડશે.

આ લેખના પ્રારંભમાં જણાવ્યું તેમ રેલવે તંત્ર મોટો હાથી છે. તેના દ્વારા પેસેન્જરો સાથે નાનકડી પણ ઠગાઈ કરવામાં આવતી હોય ત્યારે પેસેન્જરોને અબજો રૂપિયાનું નુકસાન થતું હોય છે. તેનું એક નાનકડું ઉદાહરણ જોઈએ. રેલવે તંત્ર દ્વારા સ્ટેશનો ઉપર અને ચાલતી ટ્રેને વેચવામાં આવતી ચાનો ભાવ કપના પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હોય છે. આપણા બધાનો અનુભવ છે કે રેલવેના સ્ટોલ ઉપર અને ચાલતી ટ્રેને આપણી પાસેથી કપના ૧૦ રૂપિયા અને ક્યારેક તો ૨૦ રૂપિયા પણ વસૂલ કરવામાં આવે છે.

તેની તપાસ કરતાં જાણવા મળ્યું કે રેલવે દ્વારા ૧૫૦ મિલિલિટર ચા નો ભાવ પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, પણ ફેરિયાઓ દ્વારા આપણને ૧૦ રૂપિયામાં માત્ર ૭૫ મિલિલિટર ચા જ આપવામાં આવે છે. બીજા શબ્દોમાં ૨.૫૦ રૂપિયાની કિંમતની ચા આપણને ૧૦ રૂપિયામાં આપવામાં આવે છે. એક કપ દીઠ ૭.૫૦ રૂપિયાની ઠગાઈ કરવામાં આવે છે. ભારતના સમગ્ર રેલવે તંત્રમાં આખા દિવસમાં કરોડો કપ ચા પીવાતી હશે. તેમાં કપ દીઠ પાંચ રૂપિયાની ઠગાઈ પણ માનવામાં આવે તો રેલવેના યાત્રિકોના અબજો રૂપિયા લૂંટાઈ જતા હોય છે.

રેલવેના અધિકૃત સ્ટોલધારકો તેમ જ ચાલતી ટ્રેને ફેરિયાઓ દ્વારા છેતરપિંડી ન કરવામાં આવે તે માટે રેલવે દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે બિલ વગર કોઈ પણ જાતની ચૂકવણી કરવી નહીં. જો મુસાફરો દ્વારા દરેક ખરીદી સામે બિલ માગવામાં આવે તો ફેરિયાઓ વધુ ચાર્જ વસૂલ કરી શકે નહીં અને છેતરપિંડી અટકી જાય. દરેક સ્ટોલ પર આ મુજબનું બોર્ડ મારવામાં આવ્યું હોય છે. અધિકૃત ફેરિયાઓને પણ તો તેમના ટીશર્ટ ઉપર આ મુજબનું લખાણ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ નિયમ પણ પોથીમાંનાં રીંગણાં જેવો બની રહ્યો છે. રેલવેના કોઈ સ્ટોલ પર ખરીદી કરનારને બિલ આપવામાં આવતું નથી. તેની પાસેથી ચા ના ૧૦ રૂપિયા જ વસૂલ કરવામાં આવે છે.

રેલવે દ્વારા નિયમ બનાવાયા છતાં તેનો અમલ ન કરવામાં આવે અને છેતરપિંડી ચાલુ રાખવામાં આવે તો તેના માટે યાત્રિકો પણ જવાબદાર હોય છે. સ્ટોલ પરથી કે ફેરિયાઓ પાસેથી કોઈ પણ ચીજની ખરીદી કરતાં પહેલાં તેઓ મેનુ માગતા નથી અને ખરીદી કર્યા પછી બિલ માગતા નથી. આ કારણે તેમને મનફાવતો ચાર્જ વસૂલ કરવાની સવલત મળી જાય છે. જો તમે ચા નો કપ ખરીદ્યા પછી બિલ માગશો તો તમને ચા નો કપ દસ રૂપિયાને બદલે પાંચ રૂપિયામાં પડશે. આપણી થોડીક સતર્કતા આપણને ઠગાઈથી બચાવી શકે છે. જો કે બિલ ન આપતાં ફેરિયાઓ સામે પગલાં લેવાની જવાબદારી વિજીલન્સ શાખાની છે, પણ તેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top