Madhya Gujarat

ઉત્તરાયણ દરમિયાન ખેડામાં 209 પક્ષીઓનો બચાવ કરવામાં આવ્યો

નડિયાદ: ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ વન વિભાગ અને પશુપાલન વિભાગના અધિકારી તથા પશુચિકિત્સા અધિકારીઓના સહયોગથી જીવદયા માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકોનો સહકાર મેળવી વન વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થતાં નિર્દોષ અને અબોલ પક્ષીઓને બચાવવા ગુજરાત સરકારીશ્રી દ્વારા “કરૂણા અભિયાન-2023”નું ખેડા જિલ્લામાં આયોજન કરવામાં  આવ્યું હતું.

કરૂણા અભિયાન-2023 દરમિયાન કલેકટર કે.એલ.બચાણી, ખેડાના પરામર્શમાં રહી ખેડા જિલ્લા વન વિભાગના નાયબ વન સંરક્ષક નડીયાદ ડૉ. ટી. કરૂપ્પાસામી, અને મદદનીશ વન સંરક્ષક ડી.એમ. ડાભીના માર્ગદર્શન હેઠળ વન વિભાગના ક્ષેત્રિય અધિકારી એવા પરીક્ષેત્ર વન અધિકારી અને કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરૂણા અભિયાન-2023 દરમિયાન ઘાયલ થયેલ પક્ષીઓને રેસ્ક્યુ કરી પશુપાલન વિભાગના પશુ દવાખાનાઓ સુધી પહોંચતા કરી પશુચિકિત્સા અધિકારીઓ મારફત ઘાયલ થયેલ પક્ષીઓને જરૂરી સારવાર આપી પક્ષીઓની સારસંભાળ લેવામાં આવી હતી. વધુ ઘાયલ થયેલ અને લાંબા સમય સુધી સારવારની જરૂરીયાત હોય તેવા પક્ષીઓને વન વિભાગ હસ્તકના બોડકદેવ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર, અમદાવાદ સુધી પહોંચતા કરી તેઓની સારવાર કરવામાં આવી હતી. તેમજ  સંપુર્ણ સ્વસ્થ થઈ ગયેલ પક્ષીઓને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા.

ચાલુ વર્ષે કરૂણા અભિયાન દરમ્યાન સમગ્ર ખેડા જિલ્લામાં 15 જાન્યુઆરી સુધી 209 પક્ષીઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા . જે પૈકી 196 પક્ષીઓને ઘનીષ્ઠ સારવાર બાદ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 13 પક્ષીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. સરકાર દ્વારા ચાલુ વર્ષે ઓછામાં ઓછા પક્ષીઓ ઘાયલ થાય તે અંગે પ્રજામાં જાગૃતિ માટે અવરનેસ કાર્યક્રમનું આયોજન કરી લોકોમાં પક્ષીઓને બચાવ અંગે જાગૃતિ લાવવામાં આવેલ હતી, જેના કારણે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઘણા ઓછા પક્ષીઓના મૃત્યુ થયા છે.

Most Popular

To Top