Comments

ભારત સરકાર બે વર્ષથી તેના અનાજના ભંડારો કેમ ખાલી કરી રહી છે?

ભારતનો કિસાન તેના લોહી-પાણી એક કરીને ખેતરમાં અનાજ પકવે છે, જેને કારણે દેશનાં ૧૪૦ કરોડ લોકોનું પેટ ભરાય છે. ભૂતકાળમાં દેશમાં ઉપરાછાપરી દુકાળો પડતા ત્યારે લોકો ભૂખે મરતા અને રોટી રમખાણો ફાટી નીકળતાં હતાં. તાજેતરમાં આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે એક કિલોગ્રામ ઘઉંના આટાનો ભાવ ૧૬૦ રૂપિયા પર પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં ટૂંક સમયમાં રોટી રમખાણો ફાટી નીકળે તો જરાય નવાઈ નહીં લાગે.

ભારતમાં રોટી રમખાણો ફાટી ન નીકળે તે માટે સરકાર દ્વારા અનાજનો બફર સ્ટોક કરવાની નીતિ અપનાવવામાં આવી છે, જેમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોદામોમાં ઘઉં અને ચોખા જેવા ધાન્યનો સંગ્રહ કરવામાં આવે છે. સરકાર કિસાનો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચોખા ખરીદે છે અને તેમાંથી અમુક જથ્થો ગરીબોને રાહતના ભાવે વિતરણ કરે છે. આ રીતે માર્કેટમાંથી અનાજની ખરીદી કરવાને કારણે બે લાભ થાય છે. કિસાનોને તેમની પેદાશના વાજબી ભાવો મળે છે અને સરકારના હાથમાં બફર સ્ટોક ઉપરાંત ગરીબોને વિતરણ કરવાનું અનાજ આવે છે.

૨૦૨૦ના એપ્રિલમાં ભારતમાં કોવિડ-૧૯ અને લોકડાઉન આવ્યું તે પછી ગરીબોને ટેકો આપવા માટે ૮૦ કરોડ નાગરિકોને મહિને પાંચ કિલોગ્રામ અનાજ મફત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ૮૦ કરોડ નાગરિકો પૈકી ૪૦ કરોડ ગરીબ હતાં તો ૪૦ કરોડ મધ્યમ વર્ગનાં હતાં. આ યોજના ત્રણ મહિના માટે જ ચાલુ રાખવાની હતી, કારણ કે ત્રણ મહિના પછી લોકડાઉન ઊઠી ગયું હતું અને લોકો કામધંધે લાગી ગયા હતા. તેને બદલે કોઈ અકળ કારણોસર તેને ટુકડે ટુકડે ત્રણ વર્ષ સુધી લંબાવવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ યોજના ૨૦૨૩ના ડિસેમ્બર મહિના સુધી ચાલુ રાખવામાં આવશે. આ યોજનાને કારણે અનાજના ભંડારો ખાલી થઈ ગયા છે અને અનાજની કટોકટી પેદા થાય તેમ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૦ના એપ્રિલથી માંડીને ૨૦૨૨ના ડિસેમ્બર સુધી મફત અનાજની યોજના ચલાવવામાં આવી તેની દેશના બફર સ્ટોક પર શું અસર પડી છે? તેના આંકડાઓ જાણવા જેવા છે. ભારત સરકાર દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતા ફુડ ગ્રેઇન બુલેટિનના આંકડાઓ મુજબ તા.૩૧ માર્ચ, ૨૦૨૦ના ભારત સરકારના ગોદામોમાં કુલ ૫૬૯ લાખ ટન અનાજ હતું, જેમાં ૨૪૭ ટન ઘઉં હતા અને ૩૨૨ ટન ચોખા હતા. બફર સ્ટોકના ધારાધોરણ મુજબ ૧૦૩ લાખ ટન ચોખા અને ૨૦૫ લાખ ટન ઘઉં રાખવા જરૂરી હતા, જે ભારતને એક વર્ષ સુધી ચાલે તેમ હતા. ૨૦૨૨ના એપ્રિલમાં બફર સ્ટોક કરતાં ત્રણ ગણા ચોખા હતા, જે દેશને ત્રણ વર્ષ ચાલે તેટલા હતા.

સરકાર દ્વારા જે ૮૦ કરોડ લોકોને મહિને પાંચ કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે તેને કારણે દર ત્રણ મહિને ૧૩૨ લાખ ટન ચોખાનો અને ૨૮ લાખ ટન ઘઉં મળીને કુલ ૧૬૦ લાખ ટન અનાજનો ઉપાડ થાય છે, જેને કારણે બફર સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને પરિણામે ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં સરકાર પાસે ચોખાનો જથ્થો ઘટીને ૧૨૫ લાખ ટન અને ઘઉંનો જથ્થો ઘટીને ૧૭૧ ટન પર પહોંચી ગયો હતો. પોણા બે વર્ષમાં ઘઉંના જથ્થામાં ૭૬ લાખ ટનનો ઘટાડો જોવા મળ્યો છે તો ચોખાના જથ્થામાં ૨૯૭ લાખ ટનનો ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે ઘઉંની ૨૦૫ લાખ ટન બફર સ્ટોકની જરૂરિયાત સામે તેનો જથ્થો ૧૭૧ લાખ ટન પર પહોંચી ગયો છે. ચોખાની ૨૦૫ લાખ ટનની જરૂરિયાત સામે તેનો જથ્થો ૧૨૫ લાખ ટન પર પહોંચી ગયો છે.

આજની તારીખમાં જો હિસાબ કરીએ તો ભારતને દુકાળ અને ભૂખમરાથી બચાવવા માટે ૨૦૨૦ના માર્ચમાં જે ચિક્કાર અનાજ હતું તે સરકારે કોરોનામાં રાહત આપવાને નામે પોણા બે વર્ષમાં લગભગ ખાલી કરી નાખ્યું છે. આજની તારીખમાં બફર સ્ટોક માટે જેટલું અનાજ જરૂરી હોય તેટલું અનાજ પણ સરકારી ગોદામોમાં નથી. અધૂરામાં પૂરું સરકારે વગર વિચાર્યે મફત અનાજની યોજના હજુ એક વર્ષ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેને કારણે સરકાર પાસે જે ૨૯૬ લાખ ટન અનાજ છે તે પણ કદાચ ખાલી થઈ જશે.

ગયા વર્ષે ભારતનાં ઘણાં રાજ્યોમાં દુકાળની પરિસ્થિતિ હોવાથી સરકારની ગણતરી કરતાં અનાજની ખરીદી ઓછી થઈ છે. વળી ખુલ્લા બજારમાં ભાવો વધુ મળતા હોવાથી પણ કિસાનો સરકારને સસ્તામાં અનાજ વેચવા તૈયાર થતા નથી. જો ૨૦૨૩નું ચોમાસું નબળું ગયું તો ભારત સરકાર પાસે લોકોનું પેટ ભરવા માટેનું અનાજ હશે નહીં. તે સંયોગોમાં પાકિસ્તાનમાં પેદા થઈ છે તેવી ખાદ્યાન્ન કટોકટી ભારતમાં પણ પેદા થઈ શકે છે.

પોણા બે વર્ષથી દેશનાં ૮૦ કરોડ નાગરિકોને મહિને પાંચ કિલોગ્રામ અનાજ મફત આપવાને કારણે સરકારની તિજોરી પર ૩. ૯૧ લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડ્યો છે. સરકાર દ્વારા બજેટમાં જે ફાળવણી કરવામાં આવી હતી તેના કરતાં આ રકમ વધુ છે. વળી મફત અનાજ યોજનામાં દર મહિને આશરે ૩૫ લાખ ટન અનાજની જરૂર રહે છે. આટલું અનાજ ક્યાંથી લાવવું? તે પણ સરકાર માટે પડકાર છે.

હવે દેશમાં તમામ વેપાર-ધંધાઓ ધમધમતા થઈ ગયા છે ત્યારે ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપવા પાછળ ક્યો તર્ક છે તે સમજાતું નથી. સરકાર ૪૦ કરોડ ગરીબોને મફતમાં અનાજ આપવાનું ચાલુ રાખીને બાકીના ૪૦ કરોડ મધ્યમ વર્ગીય નાગરિકોને રેશન કાર્ડમાં રાહતના ભાવે અનાજ આપી શકે છે. તેને બદલે ગરીબ અને મધ્યમ વર્ગને મફતમાં અનાજ આપવાનું ચાલુ રાખીને સરકાર પોતાની મતબેન્ક મજબૂત કરી રહી છે, પણ તેમ કરવા જતાં દેશની અન્ન સુરક્ષા ખતરામાં મૂકાઈ જાય છે, તેનો તેને ખ્યાલ નથી. નવાઈની વાત એ છે કે અનાજના ભંડારો ખાલી કરવાની સરકારની નીતિ બાબતમાં વિપક્ષો પણ ચૂપ છે.

વિશ્વની ૭૦૦ કરોડની વસતિની ભૂખ ભાંગી શકે તેટલું અનાજ ખેતરોમાં પેદા થાય છે, પણ મલ્ટિનેશનલ કંપનીઓ અને સમૃદ્ધ રાષ્ટ્રો દ્વારા અનાજનો ગેરવહીવટ કરવામાં આવતો હોવાથી દુનિયામાં ભૂખમરો પેદા કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ ફુડ પ્રોગ્રામના જણાવ્યા મુજબ આજની તારીખમાં દુનિયાના ૯૩ દેશોના ૯૫. ૭ કરોડ લોકોને પેટ ભરાય તેટલું ભોજન મળતું નથી. આ વર્ષે આબોહવા પરિવર્તન અને યુદ્ધને કારણે તેમાં ૨૩. ૯ કરોડ લોકોનો વધારો થવાની સંભાવના છે. અર્થાત્ જે ૨૩. ૯ કરોડ લોકો અત્યાર સુધી માંડ માંડ બે ટંકનો રોટલો રળી ખાતા હતા, તેમને પણ હવે ભૂખે મરવાનો વારો આવશે. અમેરિકાનાં ગરીબો ભૂખ્યાં સૂઈ રહ્યાં છે.

આબોહવામાં આવી રહેલાં પરિવર્તન અને જાગતિક તાપમાનને કારણે પણ અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષમાં ૧૧.૩૫ કરોડ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો, પણ માર્ચ મહિનામાં ભારે ગરમી પડતાં ઘઉંના પાકને નુકસાન થયું છે, જેને કારણે ઉત્પાદન ઘટીને ૧૦.૫ કરોડ મેટ્રિક ટન થઈ જશે. ભારતનાં સ્થાનિક બજારોમાં પણ ઘઉંના ભાવોમાં ૨૦થી ૪૦ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. હવે જો ભારતમાં એક ચોમાસું પણ નબળું જશે તો ભારતમાં પણ અનાજની કટોકટી પેદા થશે. આવનારો સમય બહુ કઠણ આવી રહ્યો છે. પ્રત્યેક પરિવારે ઘરમાં એક વર્ષ ચાલે તેટલા અનાજનો સંગ્રહ કરી રાખવો જોઈએ.આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top