National

અમિત શાહની રેલીમાં આવેલા લોકોને લઈ જવા માટે ઊભેલી ત્રણ બસને ટ્રકે ટક્કર મારી, 15ના મોત

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya pradesh) સિધી (Sidhi) જિલ્લામાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે (Highway) પર બડખરા ગામ પાસે શુક્રવારે રાત્રે ભયાનક અકસ્માતર થયો હતો. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોના મોત ઘટનાસ્થળે જ નિપજ્યાં હતા. પ્રાથમિક તપાસમાં આવી રહ્યું છે એક ટ્રકનું ટાયર ફાટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પાર્ક કરેલી ત્રણ બસોને ટક્કર મારી હતી. અત્યાર સુધીમાં 10 મૃતકોની ઓળખ થઈ શકી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક ટ્રકે રોડની બાજુમાં ઉભેલી ત્રણ બસોને ટક્કર મારી હતી. આ બસો ગૃહમંત્રી અમિત શાહની રેલીમાંથી પરત ફરી રહેલા લોકોને લઈ જઈ રહી હતી. સિદ્ધિ ડીએમએ કહ્યું, ‘આ અકસ્માત ટાયર ફાટવાના કારણે થયો હતો. ઘાયલોની સારવાર ચાલુ છે. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.ઘાયલોને સિધીની જિલ્લા હોસ્પિટલ, ચુરહટના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને રીવાના સંજય ગાંધી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. 

સીએમ શિવરાજ ઘાયલોને મળ્યા 
દુર્ઘટનાની માહિતી મળતાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સતનાથી રીવા પહોંચ્યા અને ઘાયલોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સીએમ ચૌહાણે કહ્યું કે સિધી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો
મળતી માહિતી અનુસાર, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ દુર્ઘટના રીવા-સિધી ટનલ પાસે થઈ હતી. પૂરપાટ ઝડપે આવતી ટ્રકનું ટાયર ફાટવાને કારણે તે બાજુમાં ઉભેલી ત્રણ બસ સાથે અથડાઈ હતી. બે બસ પલટી ખાઈ ગઈ અને ત્રીજી બસને ભારે નુકસાન થયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત ભયાનક હતો, મૃત્યુઆંક વધી શકે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. અન્ય રાહદારીઓએ મદદ કરી ઘાયલોને બહાર કાઢ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાંથી 50 મુસાફરોની હાલત ગંભીર છે.

Most Popular

To Top