Business

હિમાચલે ઔષધીય ગાંજાની ખેતીને આપી મંજૂરી, ગાંજાની કાયદેસર ખેતીથી 500 કરોડની આવકનો અંદાજ, આવો નિર્ણય લેનારું દેશનું ત્રીજું રાજ્ય

હિમાચલ પ્રદેશ સરકારે ઔષધીય અને વૈજ્ઞાનિક હેતુઓ માટે ગાંજાની ખેતીને કાયદાકીય મંજૂરી આપીને મહત્વનો નિર્ણય લીધો છે. આ સાથે ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ બાદ હિમાચલ ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે, જ્યાં નિયંત્રિત રીતે ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે આ માટે ‘હિમાચલ પ્રદેશ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) નિયમો, 2026’નું નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નવી નીતિ હેઠળ ગાંજાની ખેતીથી લઈને તેના સંગ્રહ, સંશોધન, પ્રોસેસિંગ અને ઉત્પાદન સુધીની સમગ્ર પ્રક્રિયા માટે સ્પષ્ટ કાનૂની માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે આ ખેતી માત્ર ઔષધીય અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે જ કરવામાં આવશે અને તેના પર કડક દેખરેખ રાખવામાં આવશે.

સરકારે ગાંજાની ખેતી માટે અનેક કડક નિયમો પણ નક્કી કર્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે ખુલ્લા ખેતરોમાં ગાંજાની ખેતી કરવાની મંજૂરી નહીં મળે. ખેડૂતોએ માત્ર ગ્રીનહાઉસ અથવા પોલીહાઉસ જેવી સંપૂર્ણ સુરક્ષિત જગ્યામાં જ ખેતી કરવી પડશે. તેનો મુખ્ય હેતુ ગાંજાનો ગેરકાયદે ઉપયોગ અને દુરુપયોગ અટકાવવાનો છે. ખેતી માટે ઓછામાં ઓછી ત્રણ એકરની સળંગ જમીન હોવી જરૂરી રહેશે. જોકે, સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને વૈજ્ઞાનિક સંશોધન કરતી સંસ્થાઓ માટે આ નિયમ લાગુ નહીં પડે. સરકારે ખેતીના સ્થળો અને વેરહાઉસનું જિયો-ટેગિંગ ફરજિયાત બનાવ્યું છે. સાથે જ એક જ પ્રવેશદ્વાર, CCTV કેમેરા, મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને મુલાકાતીઓની નોંધ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ગાંજાની ખેતી માટે ખેડૂતોને માત્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા સપ્લાયર્સ પાસેથી જ પ્રમાણિત બિયારણ ખરીદવું પડશે. દરેક બિયારણ સાથે લેબોરેટરી દ્વારા આપવામાં આવેલું કૅનાબિનોઈડ પ્રમાણપત્ર હોવું પણ ફરજિયાત રહેશે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે આ ગાંજાનો ઉપયોગ માત્ર ઔષધીય અને વૈજ્ઞાનિક હેતુઓ માટે જ થઈ શકશે. મનોરંજન અથવા અન્ય વ્યાપારી હેતુ માટે તેનો ઉપયોગ, વેચાણ અથવા પરિવહન કરવાની મંજૂરી નહીં હોય. નવી નીતિમાં ગાંજા આધારિત દવાઓ અથવા અન્ય ઉત્પાદનો બનાવવા માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આવી મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે કંપનીઓએ ઓછામાં ઓછું 100 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરવું પડશે. ઉપરાંત, આવા ઉદ્યોગોએ તેમના વાર્ષિક ટર્નઓવર પર 3 ટકા રાજ્ય સેસ પણ ચૂકવવો પડશે. તેમાં 2 ટકા મિલ્ક સેસ અને 1 ટકા પર્યાવરણ સેસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર વ્યવસ્થાની દેખરેખ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવશે. રાજ્ય સ્તરે રિવ્યુ કમિટી જ્યારે જિલ્લા સ્તરે દેખરેખ સમિતિ કાર્ય કરશે. આ સમિતિઓમાં કૃષિ, એક્સાઇઝ, પોલીસ, મહેસૂલ અને આયુષ વિભાગના અધિકારીઓ સામેલ રહેશે, જે લાયસન્સ, દેખરેખ અને નિયમોના પાલનની જવાબદારી સંભાળશે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ, મનાલી, મંડી, ચંબા, શિમલા અને સિરમૌર જેવા વિસ્તારોમાં ગાંજાના છોડ કુદરતી રીતે પણ જોવા મળે છે. અનુકૂળ હવામાન અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ ક્ષેત્રમાં નિયંત્રિત ખેતીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. સરકારને આશા છે કે આ નવી નીતિથી રાજ્યમાં ઔષધીય ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, નવા રોકાણ આવશે, રોજગારીની તકો ઊભી થશે અને રાજ્યને દર વર્ષે અંદાજે 500 કરોડ રૂપિયાની વધારાની આવક પણ મળશે. સરકારનું માનવું છે કે કડક નિયમો અને દેખરેખ સાથે ગાંજાની કાયદેસર ખેતી રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Most Popular

To Top