Vadodara

વાઘોડિયામાં ધર્મેન્દ્ર વાઘેલાની ઘરવાપસી સફળ કરવા નાસ્તાની લાલચે લોકોને બોલાવાયા


વાઘેલા ભાજપામાં મોટી જનમેદની વચ્ચે જોડાયા તે બતાવવા પ્રયાસો
પ્રદેશ અધ્યક્ષનો ટોણો, સારુ થયું ભાજપમાં આવી ગયા નહીં તો હારી જાત


વાઘોડિયા ખાતે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બુધવારે ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેઓને ખેસ પહેરાવવામાં આવ્યો હતો ત્યારે આ જાહેરસભામાં પ્રદેશ અધ્યક્ષ સામે પોતાનું શક્તિ પ્રદર્શન થાય તે માટે વિશાળ જનમેદની ભેગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જનમેદનીને ભેગી કરવા તેમજ રોકી રાખવા માટે નાસ્તાની લાલચ આપવામાં આવી હતી. ઉપરાંત લોકોને વડાપ્રધાનના ફોટા વાળા કેલેન્ડર પણ આપવામાં આવ્યા હતા. જોકે, અઠંગ રાજકારણી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આખી રમત સમજી ગયા હતા અને ટોણો મારતા જણાવ્યું હતું કે, ભાજપમાં આવી ગયા તે સારુ થયું નહીં તો આગામી ચૂંટણીમાં તમે હારી જાત.
વાઘોડિયા વિધાનસભા ઉપરથી અપક્ષ જીત્યા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્યપદેથી એક જ વર્ષમાં રાજીનામુ આપી દીધું હતું. બુધવારના રોજ તેમણે સત્તાવાર રીતે ભાજપમાં પુનઃ પ્રવેશ મેળવ્યો હતો. વાઘોડિયા ખાતે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપાના સાંસદ રંજનબેન ભટ્ટ, લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર, પ્રદીપસિંહ જાડેજા અને જિલ્લાના ધારાસભ્યો સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ જાહેર સભામાં વિશાલ જનમેદની લાગે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા શક્તિ પ્રદર્શન કરી શકે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગેટ ઉપર જ નાસ્તાની વહેંચણી શરુ કરી દેવામાં આવી હતી. આવતા જતા લોકોને નાસ્તો તેમજ વડાપ્રધાનના કેલેન્ડર આપી લાલચ આપી સભામાં ભેગા કરવામાં આવ્યા હતા.સભામાંથી લોકો પરત ન જતા રહે તે માટે પણ સતત વોચ રાખવામાં આવી હતી. જો કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ચકોર નજરમાંથી કોઈ વાત છુપી રહી નહોતી. પાટીલે કટાક્ષ પણ કર્યો હતો કે આ જનમેદની છે તે તમારા લીધી નથી, આવી આ ભાજપના સમર્થકો છે. સારું થયું તમે ભાજપમાં આવી ગયા નહિ તો આગલી વખત હારી જાત.
ધર્મેન્દ્રસિંહ વાધેલા અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્યના સૌથી અમીર ઉમેદવારમાં તેઓને સમાવેશ થયો હતો. ચૂંટણી સમયે પણ તેઓએ મતદારોને આકર્ષવા પોતાના નિશાનને લોકોના માનસપટ પર રાખવા માટે કૂકરની પણ વહેંચણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પુન: એક વખત મતદારોને લાલચ આપી જનમેદની ભેગી કરવાના પ્રયાસો ચર્ચાની એરણે ચઢ્યા છે.

Most Popular

To Top