SURAT

વકીલ ઉપર થયેલા હુમલામાં સુરત વકીલ મંડળ 24મીએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપશે

સુરત : સુરતમાં વકીલ (Lawyer in Surat) ઉપર ટીઆરબી (TRB) જવાને કરેલા હુમલાના વિરોધમાં સુરત જિલ્લા વકીલ મંડળ (Jilla Vakil Mandal) દ્વારા તા. 24મીના રોજ કોર્ટ કેમ્પસથી( Court Campus) કલેક્ટર કચેરી(Collector Office) સુધી રેલી કાઢીને વિરોધ નોંધાવશે. આ સાથે જ કેટલાક ટીખળખોરો કોર્ટ કેમ્પસમાં હથિયારો સાથે આવી ગયા હોવાથી કોર્ટ કેમ્પસમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનરને પણ રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે.

ગત તા. 18મી ઓગષ્ટના રોજ લસકાણા પોલીસ ચોકી નજીક જ સુરતના એડવોકેટ મેહુલ બોધરા ઉપર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મેહુલને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી, આ સાથે જ સુપરવાઇઝર સાજન ભરવાડની સામે મારામારીનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે. બીજી તરફ વકીલની ઉપર થયેલા હુમલાને લઇને સુરત જિલ્લા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે. હુમલો કરનાર સાજન ભરવાડની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પણ વકીલો દ્વારા સાજન ભરવાડ હાય-હાય, સરથાણા પોલીસ હાય-હાયના નારા લગાવાયા હતા.

આ ઘટનાને લઇને આજે સોમવારે સુરત જિલ્લા વકીલ મંડળની કાઉન્સીલની સભા મળી

આ અંગે માહિતી આપતા વકીલ મંડળના પ્રમુખ રમેશ કોરાટે માહિતી આપતા કહ્યું કે, આગામી તા. 24મીના રોજ સુરત વકીલ મંડળ દ્વારા કોર્ટ કેમ્પસથી લઇને કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત વકીલ મેહુલ બોધરાને કાનુની લડતમાં જ્યાં જરૂર પડ્યે ત્યાં મદદ કરવામાં આવશે. મેહુલ બોધરાને કાનુની સહાયમાં ગુજરાત બાર કાઉન્સીલ પણ મદદ કરશે. વધુમાં પ્રમુખના જણાવ્યા પ્રમાણે સાજન ભરવાડને જ્યારે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કેટલાક લોકો લાકડાના ફટકા તેમજ અન્ય હથિયારો લઇને કોર્ટ કેમ્પસમાં આવ્યા હતા, આ બાબતે સુરતના પોલીસ કમિશનરને રૂબરૂમાં મળીને કોર્ટ કેમ્પસમાં કોઇ માથાકૂટ ન થાય તે માટે તકેદારી રાખવા આવેદનપત્ર આપવામાં આવશે.

સાજન ભરવાડ સાંભળી લે.., આવા નાના-મોટા હુમલાથી મેહુલ બોઘરાને ફરક પડતો નથી : મેહુલ બોધરાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો
ટીઆરબી સુપરવાઇઝરના હુમલાથી ઇજાગ્રસ્ત વકીલ મેહુલ બોધરા ચાર દિવસથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. આજે સોમવારે મેહુલ બોધરાનું મેડીકલ ચેકઅપ કરીને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મેહુલ ઘરે પહોંચ્યો ત્યારે તેની સોસાયટીના લોકોએ તેનું પુષ્પવર્ષા, ફૂલહાર અને આરતી કરીને ઢોલનગારા સાથે સ્વાગત કર્યું હતું. મેહુલ બોઘરાએ સોસાયટીના પરિસરમાં ઉભા રહી પોતાને સમર્થન કરનારા સૌકોઇનો આબાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આવા નાના-મોટા હુમલા થતા રહેશે. તેનાથી મેહુલ બોઘરાને ફરક પડતો નથી. ભવિષ્યમાં આનાથી દસ ગણી તાકાતથી ભ્રષ્ટ્રાચારીઓને જવાબ આપીશ.

— ભરવાડ સમાજ દ્વારા રેલીનું આયોજન, પરંતુ પોલીસે પોલીસગીરી કરી રેલી કાઢવા દીધી નહી
વકીલ ઉપર થયેલા હુમલા બાદ જાતીય રાજકારણ ગરમાયુ છે. એક સમાજના લોકો બીજા સમાજની સામે આવી ગયા છે. તેમાં ખાસ કરીને ભરવાડ સમાજ દ્વારા વકીલ મેહુલ બોધરાના વિરોધમાં લકસાણા વિસ્તારમાં વિશાળ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આબાબતે જ્યારે સરથાણા પોલીસને જાણ થતા પીઆઇ ગુર્જરે રેલી કાઢનારા ભરવાડ સમાજના અગ્રણીઓને બોલાવ્યા હતા અને પોતાની પોલીસગીરી વડે તેઓને ઠપકો આપીને કોઇપણ રેલી કાઢવાની ના પાડી દીધી હતી. રેલી કાઢવા બાબતે ભરવાડ સમાજ દ્વારા કેટલાક વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજો પણ ફરતા કરી દેવાયા હતા જે અંગે પણ પોલીસે ભરવાડ સમાજના અગ્રણીઓને ઠપકો આપ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

Most Popular

To Top