Vadodara

લુણાવાડામાં ઉત્તરાયણમાં લાઉડ સ્પીકર, ડીજે ન વગાડવા અપીલ

ખાનપુર, તા.13
મહીસાગર જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગરસિકોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત મોટે મોટેથી વાગતા લાઉડ સ્પીકર અને ડીજે બંધ રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં પતંગોત્સવ દરમિયાન દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા મહીસાગર કરૂણા અભિયાનની સાવચેતીના પગલા લેવા અપીલ કરવામાં આવી છે. આ પતંગોત્સવ દરમિયાન દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત ફકત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઈલેકટ્રીક લાઈન અને ટેલીફોનથી દુર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નજીકના પશુદવાખાના અથવા સરકારી કેન્દ્રનો સંપર્ક કરવો, ફસાયેલી દોરીનો નિકાલ કરવો વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.
આ પતંગોત્સવ દરમ્યાન વહેલી સવારે અને સાંજના સમયે પતંગ ન ચગાવીએ, ચાઈનીઝ, સિન્થેટીંક કે કાચથી પીવડાવેલી દોરીનો ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ખોરાક ન મુકીએ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો, સાંજે અથવા રાત્રિએ આ દિવસોમાં ફટાકડા ન ફોડીએ અને લાઉડ સ્પિકર કે ડી.જે ન વગાડીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ કે તેના પર પાણી ન રેડવા અપીલ કરી હતી. જ્યારે કરૂણા એમ્બ્યુલન્સ 1962, ગુજરાત રાજ્ય હેલ્પ લાઇન 1926 તથા વન્યજીવ હેલ્પ લાઇન નં. 83200 02000 અને પોલીસ હેલ્પ લાઇન નં.112 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઇમરજન્સી નંબર 108, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ કંટ્રોલ રૂમ નં.02674 252300 અને 252301 અથવા ટોલ ફ્રી નં-1077 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top