Comments

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેમ રેટ હોલ માઇનિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો?

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ કામદારો માટે મંગળવારનો દિવસ મહત્ત્વનો સાબિત થયો હતો. બચાવકાર્યમાં લાગેલી ટીમને મોટી સફળતા મળી હતી. ફસાયેલાં કામદારોને બચાવવા માટે ટનલની અંદર ઉંદર છિદ્ર ખાણ (રેટ હોલ માઇનિંગ) પદ્ધતિ દ્વારા મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. રેટ હોલ માઇનિંગ એ એક એવી પદ્ધતિ છે, જેમાં કેટલાક ખાણિયાઓ કોલસો કાઢવા માટે સાંકડા છિદ્રો વાટે નીચે જાય છે. જો કે આ પદ્ધતિ વિવાદાસ્પદ અને ગેરકાયદેસર પણ છે. વાસ્તવમાં આ પ્રથા ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયમાં પ્રચલિત હતી. આ પદ્ધતિ મુજબ ખાણિયાઓ છિદ્રો ખોદે છે અને ચાર ફૂટ પહોળા છિદ્રોમાં ઊતરે છે, જેમાં ફક્ત એક જ વ્યક્તિ હોય છે. તેઓ વાંસની સીડી અને દોરડાનો ઉપયોગ કરીને નીચે ઊતરે છે; પછી તેઓ પાવડો અને ટોપલીઓ વગેરેનો ઉપયોગ કરીને જાતે કોલસો કાઢે છે. આ રીતે કરવામાં આવતા ખોદકામથી સલામતી માટે જોખમ ઊભું થાય છે, કારણ કે ખાણકામ કરનારાઓ તકેદારી લીધા વિના ખાડામાં ઊતરી જતા હતા અને ઘણી વખત અકસ્માતનો ભોગ બનતા હતા. એવા પણ ઘણા કિસ્સાઓ છે કે જ્યાં વરસાદની મોસમમાં રેટ હોલ માઇનિંગના કારણે ખાણના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે કામદારોના જીવ ગયા હતા. આ જ કારણે વર્ષ ૨૦૧૪માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મેઘાલયમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સિલ્ક્યારા બચાવ કામગીરી માટેના બીજા બધા વિકલ્પો નિષ્ફળ ગયા તે પછી સોમવારે રેટ હોલ હોલ માઇનિંગ કરનારા છ સભ્યોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. એક કુશળ ટીમે રેટ હોલ માઇનિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ વડે કાટમાળ દૂર કર્યો હતો. તેઓ કાટમાળને મેન્યુઅલી દૂર કરવા માટે ૮૦૦ મિલીમીટર પહોળા પાઇપની અંદર કામ કરી રહ્યા છે. આ દરમિયાન એક પાવડો અને અન્ય ખાસ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓક્સિજન માટે બ્લોઅર પણ લગાવવામાં આવ્યું છે.

ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ ૩૦ કિલોમીટરના અંતરે આવેલી સિલ્ક્યારા ટનલ કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ચાર ધામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈ વે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ ૪.૫ કિલોમીટર લાંબી છે. ૧૨ નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે ૧૭ દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી. કામદારો ટનલમાં લગભગ ૬૦ મીટરના અંતરે ફસાયેલા છે. ઓગર મશીને ૪૮ મીટર સુધી ડ્રિલ કર્યું હતું. આ પછી ઓગર મશીન ટનલમાં ફસાઈ ગયું હતું. તેને કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. આ પછી ઉંદર ખાણિયાઓ દ્વારા ચાર-પાંચ મીટર ખોદકામ કરવામાં આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં હવે માત્ર ૭-૮ મીટર જ ખોદકામ બાકી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ મેન્યુઅલ હોરીઝોન્ટલ ડ્રિલિંગ માટે બે ખાનગી કંપનીઓની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. એક ટીમમાં ૫ નિષ્ણાતો છે, જ્યારે બીજી ટીમમાં ૭ નિષ્ણાતો છે. આ ૧૨ સભ્યોને ઘણી ટીમોમાં વહેંચવામાં આવ્યા છે. આ ટીમો બાકીનો કાટમાળ બહાર કાઢશે. આ પછી ૮૦૦ મી.મી. વ્યાસની પાઇપ નાખવામાં આવશે. તેની મદદથી NDRFની ટીમો કામદારોને બહાર કાઢશે.

મેઘાલયમાં લગભગ ૬૪ કરોડ ટન કોલસાનો ભંડાર છે. આ કોલસો બહુ સારી ગુણવત્તાનો નથી અને તેમાં સલ્ફરનું પ્રમાણ ઘણું વધારે છે. તેમાં વધુ નફો ન હોવાને કારણે કોલસો કાઢવા માટે ઘણો ખર્ચ કરવાને બદલે રેટ હોલ માઇનિંગ કરવા માટે મજૂરોની મદદ લેવામાં આવે છે, જે ખૂબ જ જોખમી હોય છે. મેઘાલયના જયંતિયા હિલ્સ વિસ્તારમાં ઘણી ગેરકાયદે કોલસાની ખાણો છે. આ ખાણોમાં કામદારો ઉંદરોની જેમ પ્રવેશ કરે છે, તેથી તેને ઉંદર ખાણો કહેવામાં આવે છે. આ કામ માટે બાળકોને યોગ્ય ગણવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી બિનસરકારી સંસ્થાઓએ બાળ મજૂરીના આક્ષેપો પણ કર્યા છે. મેઘાલયમાં કોલસાની ખાણોના માલિકો અને ડીલરો સ્થાનિક છે, પરંતુ ખાણોની અંદર જવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા મોટા ભાગના કામદારો બહારના છે. સામાન્ય રીતે તેઓ નેપાળ, બાંગ્લાદેશ અને આસામથી આવે છે. સ્થાનિક લોકો જાણે છે કે આ ખાણો કેટલી અસુરક્ષિત છે, પરંતુ બહારથી આવતા ગરીબ મજૂરોને આ વાતની જાણ નથી. તેથી જ સ્થાનિક રાજકારણમાં વગ ધરાવતા કોલસા માફિયાઓ તેમનો ફાયદો ઉઠાવે છે. તેઓ આ ખાણોમાંથી મોટી કમાણી કરે છે અને શિલોંગ જેવાં સ્થળોએ મકાનો અને જમીન ખરીદે છે.

એક NGOએ દાવો કર્યો હતો કે જયંતિયા હિલ્સની આસપાસ લગભગ ૭૦ હજાર બાળકો ઉંદર છિદ્ર ખનનમાં કામ કરે છે. ૨૦૧૪ માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મેઘાલયમાં ઉંદરના છિદ્રોના ખાણકામ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે માત્ર એક જુમલો સાબિત થયો હતો. તેનો ક્યારેય અમલ થયો ન હતો. મેઘાલયમાં કોલસાની ખાણનો મુદ્દો રાજકીય છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ તે મુખ્ય મુદ્દો હતો. વિશ્લેષકો કહે છે કે કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ, કારણ કે તેણે NGTનો પ્રતિબંધ હટાવવા માટે કંઈ કર્યું ન હતું. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે તે આ મુદ્દાને ૮ મહિનામાં ઉકેલશે. જો કે મેઘાલયમાં રેટ હોલ માઇનિંગ પરનો પ્રતિબંધ હજુ કાગળ પર તો ચાલુ જ છે.

કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બન્યા બાદ ગેરકાયદેસર ખનન વધ્યું છે. વર્ષ ૨૦૧૭માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તત્કાલીન મુખ્ય મંત્રી મુકુલ સંગમાએ લખ્યું હતું કે કોલ માઈન નેશનલાઈઝેશન એક્ટ, ૧૯૭૩ મેઘાલયમાં ક્યારેય લાગુ કરવામાં આવ્યો ન હતો કારણ કે તે સ્થાનિક આદિવાસીઓના અધિકારોનું ઉલ્લંઘન કરતો હતો. સંગમાએ રાષ્ટ્રપતિને મેઘાલયમાંથી ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, ૧૯૫૭ અને કોલ માઈન અધિનિયમ, ૧૯૭૩ને દૂર કરવા માટે સૂચના જારી કરવા વિનંતી કરી હતી.

રેટ હોલ માઇનિંગ ટીમનું નેતૃત્વ કરી રહેલા વકીલ હસને કહ્યું હતું કે ‘“રેટ હોલ પદ્ધતિમાં બે લોકો ૮૦૦ મી.મી. વ્યાસના પાઇપની અંદર જાય છે. તેઓ પોતાના હાથથી માટી ખોદીને કાટમાળને બહાર મોકલે છે. બે છોકરાઓ પોતાના હાથ વડે કાટમાળ હટાવવાનું કામ કરે છે. ત્યાર બાદ કાટમાળને હાથથી બનાવેલી ગાડીમાં બહાર લઈ જવામાં આવે છે. આ બંને લોકો સાંકડી જગ્યાઓ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે ટેવાયેલા છે.’’ઉંદર ખાણિયાઓ પ્લાઝ્મા અને લેસર કટર વડે આગળનો રસ્તો બનાવશે અને પાછળથી ૮૦૦ મી.મી. વ્યાસની પાઈપોને ઓગર મશીન વડે અંદર ધકેલવામાં આવશે.

ટનલના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે સિલ્ક્યારા ટનલથી કામદારોનું અંતર માત્ર ૧૦ થી ૧૨ મીટરનું છે, જ્યાં સુધી પાઇપ પહોંચી ગઈ છે. જો આગળ કોઈ લોખંડનો સળિયો, લોખંડની જાળી અથવા કોઈ અવરોધ હોય તો ઉંદર ખાણિયાઓ પ્લાઝમા કટર અથવા લેસર કટર વડે આ અવરોધોને કાપીને આગળનો રસ્તો બનાવશે. આ કામ ત્રણ-ચાર દિવસમાં પૂર્ણ થવાની આશા છે. જો કોઈ કારણોસર ૮૦૦ મી.મી. વ્યાસની પાઇપને અંદર ઊતારવામાં અડચણ ઊભી થશે તો ૭૦૦ મી.મી. વ્યાસની પાઇપને આગળ ધકેલવાના પ્રયાસો કરવામાં આવશે.           
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top