SURAT

સુરતમાં એક જ પરિવારના બે બાળકો ગંભીર બિમારીમાં સપડાયા, પાંચ વર્ષીય બાળકીનું મોત

સુરત: શહેરમાં એક જ પરિવારના બે માસૂમ બાળકો ગંભીર રીતે બિમાર પડ્યા બાદ 5 વર્ષીય બાળકીનું મોત નિપજતા પરિવાર શોકમાં સરી પડ્યો છે. અઢી વર્ષીય બાળકની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત બાળકીને ન્યૂમોનિયા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. હાલ તબીબો અને પોલીસ આ કેસમાં તપાસ કરી રહ્યાં છે.

પર્વત પાટિયાની ભવાની ઇન્ડસ્ટ્રીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા કામદારની 5 વર્ષની દીકરીનું ન્યુમોનિયાની (Pneumonia) સારવાર દરમિયાન મોત (Died) નીપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. સાથે જ બાળકીનો અઢી વર્ષનો ભાઈને પણ બીમારીથી સંક્રમીત થયા બાદ સિવિલમાં (Surat Civil Hospital) દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે. દીકરીના અવસાન બાદ દીકરાને બચાવી લેવા મૃતકના પરીવારે સિવિલના તબીબોને આજીજી કરી છે.

પરિવારે જણાવ્યું હતું કે 5 વર્ષની અનન્યાને પહેલા સામાન્ય તાવ આવ્યો હતો. ત્યાર બાદ તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા તો જાણ થઇ કે દીકરીને ઝેરી મેલેરિયા થઈ ગયો છે. તેમજ તાત્કાલીક દાખલ કરવી પડશે. 5-6 દિવસ સુધી સારવાર કર્યા બાદ આજે સિવિલ લઈ આવતા ફરજ પરના તબીબોએ દીકરીને મૃત જાહેર કરી હતી.

બાળકીનો મૃતદેહ લેવા જતા સિવિલમાંથી પ્રોટોકોલ મુજબ સૂચના આપવામાં આવી કે પોલીસને જાણ કર્યા બાદ જ મૃતદેહ આપવામાં આવશે.

વધુમાં પરીવારે જણાવ્યું હતું કે તેઓ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે. તેમજ એક મહિના પહેલા જ તેઓ સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. દીકરીના પિતા ભવાની ઇન્ડસ્ટ્રીમાં ડ્રાઇવર તરીકે કામ કરી બે સંતાનો સહિત પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

મૃતક દીકરીની માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યુ હતુ કે મોટી દીકરી અનન્યા બીમાર પડી ત્યાર બાદ બાળકીનો અઢી વર્ષનો ભાઇ રૂતિક પણ બીમાર પડ્યો હતો. હાલ તેને સિવિલની કિડની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મારો દીકરો જલ્દી સાજો થઈ જાય એ માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીયે.

માતાએ વધુમાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં દાખલ અનન્યાની સારવાર પાછળ 20-25 હજાર ખર્ચાઈ ગયા બાદ ડોક્ટરોએ કહી દીધું કે દીકરીની તબિયત બગડી રહી છે એટલે સિવિલ લઈ જાવ. સિવિલ લાવતા જ અનન્યાને મૃત જાહેર કરાઈ હતી. ખાનગી હોસ્પિટલની કામગીરી સામે શંકા ઉભી થઈ છે.

Most Popular

To Top