Vadodara

ખેડા જિલ્લા પંચાયતના સિનીયર કલાર્કે રૂ.એક હજારની લાંચ માંગી

ત્રણ વર્ષ પહેલા વય નિવૃત્ત માટે પીએફના નાણા આપવા લાંગ માંચી હતી

(પ્રતિનિધિ) નડિયાદ તા.24

ખેડા જિલ્લા પંચાયતના સિનીયર કલાર્કે ત્રણ વર્ષ પહેલા જીપીએફના આખરી ઉપાડના નાણાનો ચેક તથા અન્ય સહાયના ચેક માટે અરજદાર પાસેથી રૂ.1000ની લાંચ લીધી હતી. આ અંગે મળેલી અરજી આધારે એસીબીએ તપાસ કરતાં કેટલાક પુરાવા મળ્યાં હતાં. જેના પગલે સિનિયર કલાર્ક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખેડા જિલ્લા પંચાયતના સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં ભરત રમેશચંદ્ર મિસ્ત્રી પાસે 17મી ફેબ્રુઆરી, 2021ના રોજ વયનિવૃત્તિનો કેસ આવ્યો હતો. આ કેસમાં ભરત મિસ્ત્રીએ અરજદારને વય નિવૃત્તિ બાદ મળતાં સરકારી લાભો જેવા કે જીપીએફના આખરી ઉપાડના નાણાનો ચેક, જુથ વીમાના નાણાનો ચેક આપવા માટે પ્રથમ રૂ.1500ની લાંચ માંગી હતી. જોકે, બાદમાં રકઝક થતાં રૂ. એક હજાર નક્કી થયાં હતાં. આથી, અરજદાર પાસેથી જે તે સમયે રૂ. એક હજાર લાંચ પેટે મેળવી લાંચની લેતી – દેતી સંબંધે હેતુલક્ષી વાતચીત કરી હતી. આ લાંચના નાણા સ્વીકારેલા હોય જે બાબતે એસીબીને અરજી મળી હતી. આ અરજી આધારે પ્રાથમિક તપાસ દરમિયાન ભરત મિસ્ત્રીએ અરજદાર સાથે લાંચની લેતી – દેતી સંબંધે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વીકાર્યાં હોવાના કેટલાક પુરાવા મળ્યાં હતાં. જેમાં દસ્તાવેજી પુરાવા, ટેકનીકલ પુરાવા તથા વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા મળતાં લાંચની માંગણી અને સ્વિકારની બાબત ફલિત થઇ હતી.

આથી, ખેડા એસીબી પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લા પંચાયતના સિનિયર કલાર્ક ભરત રમેશચંદ્ર મિસ્ત્રી સામે ભ્રષ્ટાચાર નિવારણની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જે. આઈ. પટેલ દ્વારા સંભાળવામાં આવી છે. જ્યારે મદદનીશ નિયામક કે. બી. ચુડાસમાએ સુપરવિઝન અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

Most Popular

To Top