Sports

અન્ડર-19 કુચ બિહારર ટ્રોફીમાં સુરતનાં ચાર ખેલાડીની પસંદગી

સુરત : સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન (SDCA)ના ચાર ખેલાડીઓની (Players) પસંદગી ગુજરાતની અન્ડર-19 કુચ બિહાર ટ્રોફીમાં (Bihar Trofi )થઈ છે, જેમાંથી રૂદ્ર પટેલની કેપ્ટન તરીકે વરણી થઈ છે.ક્રિશ ગુપ્તા ઓલ રાઉન્ડર તરીકે, ઉજ્જવલ ભગત લેફ્ટઆર્મ સ્પીનર તરીકે અને દેવ કથીરીયા વિકેટ કિપર તરીકે બી.સી.સી.આઈ દ્વારા આયોજીત અન્ડર-19 કુચ બિહાર ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી પામ્યા છે.

મેનેજીંગ કમીટીના સભ્યો અને તમામ કોચે અભિનંદન પાઠવ્યા
ઉજ્જવલ ભગત અને ક્રિસ ગુપ્તા અગાઉ અન્ડર-14 અને અન્ડર-16માં સતત ત્રણ વર્ષથી ગુજરાતની ટીમમાં રમી ચુક્યા છે. આ 4 દિવસીય કુચ બિહાર ક્રિકેટ ટુર્નામેન્ટ બંગાળ, તામિલનાડુ, ચંડીગઢ, મિઝોરમ અને ત્રિપુરા સામે તા.05-11-2022થી શરૂ થવા જઈ રહી છે. આ ચારેય ખેલાડીઓને એસડીસીએના પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર મંત્રી હિતેશભાઈ પટેલ (ભરથાણા) મેન્ટર કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર, ક્રિકેટ સેક્રેટરી ડૉ.નિમેષભાઈ દેસાઈ તેમજ એસડીસીએના મેનેજીંગ કમીટીના સભ્યો અને તમામ કોચે અભિનંદન પાઠવ્યા હતા.

ઝિમ્બાબ્વેને હરાવી નેધરલેન્ડે સુપર-12માં પહેલી જીત મેળવી
આજે અહીં રમાયેલી ટી-20 વર્લ્ડકપની સુપર-12માં ગ્રુપ-2ની એક મેચમાં પહેલા બોલરોના પ્રભાવક પ્રદર્શન અને તે પછી ઓપનર મેક્સ ઓ’દાઉદની અર્ધસદીની મદદથી નેધરલેન્ડે સુપર-12માં પોતાની પહેલી જીત મેળવી હતી. નેધરલેન્ડના બોલરોએ પહેલા ઝિમ્બાબ્વેનો 117 રનમાં વિંટો વાળ્યો હતો અને તે પછી ઓ’દાઉદની અર્ધસદીની મદદથી 18મી ઓવરમાં જ 5 વિકેટે 120 રન કરીને જીત મેળવી હતી. નેધરલેન્ડની આ જીતની સાથે જ ઝિમ્બાબ્વે માટે સેમીફાઇનલના દરવાજા લગભગ બંધ થઇ ગયા છે. ઝિમ્બાબ્વેની ટીમ 4 મેચમાં 3 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. ટીમને તેની છેલ્લી મેચ ભારત સામે રમવાની છે. જેમાં તેણે જીતવા સિવાય અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ કરવાનો નવો માઇલસ્ટોન અંકે કર્યો
એડિલેડ, તા. 02 : ભારતીય ટીમના માજી કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવા મામલે શ્રીલંકાના માજી કેપ્ટન મહેલા જયવર્ધનેનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીના નામે હવે ટી-20 વર્લ્ડકપમાં 25 મેચમાં 1065 રન છે, જ્યારે જયવર્ધનેના નામે 31 મેચમાં 1016 રન છે. બાંગ્લાદેશ સામે આજે પોતાનો 16મો રન પૂરો કરીને તે ટૂર્નામેન્ટનો સર્વકાલીન ટોપ સ્કોરર બન્યો હતો.બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલી 44 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 64 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ સાથે જ તે ટી-20 વર્લ્ડકપમાં નોટઆઉટ રહેવા મામલે મહેન્દ્ર સિંહ ધોની અને શોએબ મલિક પછી ત્રીજા ક્રમે રહ્યો હતો.

કોહલી 11મી વાર નોટઆઉટ રહ્યો હતો
કોહલી 11મી વાર નોટઆઉટ રહ્યો હતો. જ્યારે ધોની 14 અને શોએબ મલિક 12 વાર નોટઆઉટ રહ્યા હતા. કોહલી ટી-20 વર્લ્ડકપમાં સર્વાધિક 13 સદી ફટકારનારો ખેલાડી પણ છે. તેના પછી અર્ધસદી મામલે રોહિત શર્મા 9 અર્ધસદી સાથે બીજા સ્થાને છે. કોહલીના નામે ટી-20 વર્લ્ડકપમાં એકપણ સદી નથી જ્યારે ટોપ ટેનમાં સામેલ ક્રિસ ગેલે 2 તેમજ જયવર્ધને અને જોસ બટલરે 1-1 સદી ફટકારી છે. રોહિત શર્માના નામે ટી-20 વર્લ્ડકપની 37 મેચમાં 921 રન છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે આ બંને ભારતીય બેટ્સમેન અનુક્રમે પ્રથમ અને ચોથા સ્થાને છે.

Most Popular

To Top