Vadodara

કલેક્ટર કચેરી આંબેડકર ભવનમાં આગ લગાડનાર યુવાન ઝડપાયો

વડોદરા: દિવાળીના તહેવારો દરમિયાન પડતર દિવસે વડોદરાની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ આંબેડકર ભવનમાં આગ લાગી હતી. અને અગત્યના દસ્તાવેજો બાળીને રાખ થઇ ગયા હતા. આ મામલે આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તે અંગે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ બાદ એક શકમંદની અટકાયત કરી પૂછપરછ કરતા તેને આગ લગાડી હોવાનું સામે આવ્યું છે. ગત 13 નવેમ્બરના રોજ સવારના અરસામાં કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ આંબેડકર ભવનના બીજા અને ત્રીજા મળે આગ ફાટી નીકળી હતી. તેમાં અનેક અગત્યના દસ્તાવેજો બાળીને રાખ થઇ ગયા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

રજાઓના દિવસો હોવાથી કચેરી ખાલી હોવાના કારણે કોઈ જાનહાની કે અન્ય કોઈ મોટી ઘટના બની ન હતી. જો કે આ મામલાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને રાવપુરા પોલીસે આગ લાગવા પાછળના કારણો શોધવાની કવાયત હાથ ધરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં એક શકમંદ જણાઈ આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી. આ યુવાન નજીકમાં જ એક દુકાનમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. અને તેનું નામ આકાશ સોનાર હોવાનું બહાર આવ્યું હતું. તેને રજાનો લાભ લઇ કચેરીમાં કોઈ ન હોય આ આગ લગાડી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીની કલામ તેમજ આઇપીસી 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક વર્ષ અગાઉ ઘટેલી ઘટનાનો બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાની યુવાનની કબુલાત
આરોપીની પૂછપરછમાં તેને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. એક – સવા વર્ષ અગાઉ આરોપી આ કચેરીમાં લેડીઝ ટોઇલેટમાં નળ ચાલુ હોય તે બંધ કરવા ગયો હતો દરમિયાન એક મહિલાએ તેને પકડી બુમરાણ મચાવી હતી જેનાથી અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ મામલામાં તેની પાસે માફી પત્ર પણ લખાવવામાં આવ્યું હતું. આ ઘટના તેના મગજ પરથી નીકળતી ન હતી અને તેનો બદલો લેવા તેને આગ લગાડી હોવાનું તેને પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જો કે તેની આ થિયરી ગળે ઉતરે તેવી નથી. કારણ કે એક દુકાનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો યુવાન આજ વિભાગમાં આવીને આગ લગાડી દસ્તાવેજો બાળી નાખે તે શંકા ઉપજાવે તેમ છે. જો તેને બદલો લેવો હોય તો જે તે મહિલા સાથે લઇ શક્યો હોત તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

પોલીસે 102 કલાકના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
સરકારી કચેરીમાં આગ લાગવાની ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી હતી. અને આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા પણ પોલીસને આદેશ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કલેક્ટર કચેરી તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મંગાવી ચકાસ્યા હતા. અને 102 કલાકનું ફૂટેજ ચકાસવામાં આવ્યું હતું જેમાં આ યુવાનની ઓળખ થઇ શકી હતી.

યુવાન માનસિક અસ્વસ્થ હોવાની પિતાની રજૂઆત
આગ લગાડવાના ગુનામાં સંડોવાયેલ આકાશ સોનારના પિતાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ છે. અને તેના યોગ્ય પુરાવા તેઓ પાસે છે. અને તેઓ આ અંગે કોર્ટમાં રજૂઆત કરશે. જો કે પોલીસ સમક્ષ તેઓએ કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ રજુ કર્યું ન હતું. પોલીસે પણ તેઓના પિતાની રજૂઆતને ધ્યાનમાં રાખી આરોપી યુવાનના ફોટો કે વિડીયો જાહેર કર્યો ન હતો.

Most Popular

To Top